<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

નવસારીના આસણા ગામની સરકારી પ્રાથમિક શાળામાં દારૂ પાર્ટી: વિડિઓ વાયરલ થયા બાદ ત્રણની ધરપકડ

સંસ્કાર અને શિક્ષણ આપનારા આશ્રમ સમાન શાળાના પ્રાંગણમાં અસામાજિક તત્વોએ દારૂની બોટલો અને નમકીન સાથે બિન્દાસ મહેફિલ માણી

નવસારી જિલ્લાના આસણા ગામની સરકારી પ્રાથમિક શાળામાં દારૂ પાર્ટી કરતી ટોળીનો વીડિયો સામે આવતા ચકચાર મચી ગઈ છે. 

   વિદ્યાર્થીઓને સંસ્કાર અને શિક્ષણ આપનારા આશ્રમ સમાન શાળાના પ્રાંગણમાં અસામાજિક તત્વોએ દારૂની બોટલો અને નમકીન સાથે બિન્દાસ મહેફિલ માણી. સમગ્ર ઘટનાનો વીડિયો નજીકમાં રહેતા યુવક રાહુલ રાઠોડે રેકોર્ડ કરી સરપંચને મોકલ્યો અને તાત્કાલિક પગલાં લેવાની માગ કરી હતી  
યુવક રાહુલ રાઠોડે આક્ષેપ કર્યો કે જ્યારે તેણે સરપંચને આ ઘટના અંગે માહિતગાર કર્યા ત્યારે સરપંચે કોઈપણ પ્રકારના પગલા લેવાનો ઇનકાર કર્યો. વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા બાદ, દારૂ પાર્ટી કરતી ટોળી રાહુલના ઘરે પહોંચી ગઈ. તેમણે રાહુલના પરિવારજનો સાથે અભદ્ર વ્યવહાર કર્યો અને જાહેરમાં અપશબ્દો ઉચ્ચાર્યા. રાહુલ રાઠોડે એવો ગંભીર આક્ષેપ પણ કર્યો છે કે, અસામાજિક તત્વોએ તેને વીડિયો ઉતારવા બદલ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. 

 આ ઘટનાને કારણે આસણા ગામના રહેવાસીઓમાં ભય અને ઉદ્વેગનો માહોલ છે. લોકો સરપંચ તથા પોલીસ તંત્રની નિષ્ક્રીયતા સામે પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. 

 દરમિયાન  શાળામાં દારૂ પાર્ટી કરનારા ત્રણ શખ્શોની પોલીસે ધરપકડ કરી છે 

(7:29 PM IST)