<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

ગુજરાતના ૮ એરપોર્ટ સફેદ હાથી સમાનઃ ખોટ છેલ્લા ૧૦ વર્ષમાં ૮૧૭.૫૧ કરોડ

રાજકોટ એરપોર્ટને સૌથી વધુ ૪૦૦ કરોડની ખોટઃ

નવી દિલહી, તા.૬: ગુજરાતમાં આવેલા કેટલાક એરપોર્ટને નાણાંકીય વર્ષ ૨૦૧૫-૧૬થી ૨૦૨૪-૨૫ એમ ૧૦ વર્ષ દરમિયાન કુલ કેટલી ખોટનો સામનો કરવો પડ્‍યો તેનું સરવૈયું રજૂ કરવામાં આવ્‍યું છે. જે અનુસાર, આ સમયગાળામાં રાજકોટ એરપોર્ટને સૌથી વઘુ રૂપિયા ૪૧૮.૬૭ કરોડ, ભાવનગર એરપોર્ટને રૂપિયા ૧૨૨.૦૮ કરોડની ખોટનો સામનો કરવો પડ્‍યો છે. રાજકોટમાં હિરાસર એરપોર્ટ શરૂ થયા બાદ એર ટ્રાફિક વધતાં હવે ખોટનું પ્રમાણ ઘટે તેવી સંભાવના છે.

કેન્‍દ્રીય ઉડ્ડયન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી એરપોર્ટની આ યાદીમાં વડોદરા અને સુરતનો સમાવેશ નથી કરાયો. અમદાવાદ એરપોર્ટનું ચાર વર્ષ અગાઉ ખાનગીકરણ થઈ ગયું હતું. આ ઉપરાંત દેશમાં હાલ ૨૨ એરપોર્ટ કાર્યરત નહીં હોવાનું સામે આવ્‍યું છે અને આ યાદીમાં ગુજરાતમાંથી ડીસા પણ સામેલ છે. (રર.૧૬)

ગુજરાતના એરપોર્ટને છેલ્લા ૧૦ વર્ષમાં થયેલી કુલ ખોટ

 

એરપોર્ટ     ખોટ (કરોડ)

રાજકોટ     ૪૧૮.૬૭

ભાવનગર  ૧૨૨.૦૮

પોરબંદર   ૭૮.૨૯

ભુજ         ૫૭.૪૬

દીવ        ૪૭.૯૯

કંડલા               ૪૭.૧૭

કેશોદ               ૪૧.૪૯

ડીસા           ૩.૯

(3:29 PM IST)