તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th August 2025
રાજયને યુરિયા ખાતરનું 80,000 મેટ્રિક ટન વધારાના જથ્થાની ફાળવણી : ત્રણ અધિક કલેક્ટરને 6-6 જિલ્લાની જવાબદારી
યુરિયા ખાતરના ઔદ્યોગિક ઉપયોગની શક્યતા, કાળા બજાર, કૃત્રિમ ખાધ ઊભી કરવી, સંગ્રહખોરી જેવા મુદ્દાઓ તથા દરેક ખેડૂતને ખાતર મળી રહે તે માટે આયોજન

ગાંધીનગર :રાજ્યમાં હાલ ખરીફ સીઝનનું મોટાભાગનું વાવેતર થઈ ચુક્યું છે. કેટલીક જગ્યાએ યુરિયા ખાતર મળતું ન હોવાના અહેવાલો પ્રસારિત થયા હતા. રાજયને યુરિયા ખાતરનું 80,000 મે.ટન વધારાના જથ્થાની ફાળવણી કરી હતી.કૃષિ વિભાગ દ્વારા રાજ્યના રાસાયણિક ખાતરના સુચારૂ વિતરણ અને તેની સબસિડીના લાભનો સાચા હકદાર ખેડૂત સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આદેશથી ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
યુરિયા ખાતરના ઔદ્યોગિક ઉપયોગની શક્યતા, કાળા બજાર, કૃત્રિમ ખાધ ઊભી કરવી, સંગ્રહખોરી જેવા મુદ્દાઓ તથા દરેક ખેડૂતને ખાતર મળી રહે તે માટે માટે રાજ્યના ત્રણ અધિક કલેક્ટરને 6-6 જિલ્લાની જવાબદારી સોપવામાં આવી હતી. તેમજ કૃષિ વિભાગની 64 ટીમો આ કામે ફાળવવામાં આવી છે. તપાસના પ્રથમ દિવસે 4 ઓગસ્ટના રોજ 18 જિલ્લાઓમાં કુલ 56 વિક્રેતાઓને ત્યાં ચકાસણી કરવામાં આવી અને વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રથમ દ્રષ્ટિએ કુલ 17 જેટલી વિસંગતતાઓ સામે આવી જે માટે નોટીસ આપી છે અને 4 ડીલરોના કિસ્સામાં યુરીયા શંકાસ્પદ અન્ય હેતુ માટે ડાયવર્જન જણાતા લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ, આ ટીમો દ્વારા 502 જેટલા ખેડૂતો સાથે પરામર્શ કરી તેમાંથી 71 ખેડુતોએ મેળવેલા તમામ જથ્થાની વિગતવાર માહિતી મેળવાઈ છે.
આ બાબતે થયેલી વિસંગતતાઓ અંગે તાત્કાલિક નિવારક પગલાં લેવા અને નિયમ મુજબની કડક કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ખાતરના વિતરણમાં પારદર્શિતા અને ખેડૂત હિતમાં યોગ્ય વ્યવસ્થા અમલમાં રહે તે માટે કટિબદ્ધ છે.
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
