તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th August 2025
વડોદરાના મકરપુરામાં સ્માર્ટ વીજ મીટરનો ભારે વિરોધ: મધરાત્રે 84 ઘરોમાં લાઈટો ગુલ થતાં રહીશોમાં આક્રોશ
સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક ઓનલાઈન પેમેન્ટ કરી દેવાયા છતાં પણ કલાકો સુધી વીજળી પૂરવઠો શરૂ ન થતાં રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા

વડોદરા શહેરમાં સ્માર્ટ વીજ મીટરનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. હકીકતમાં મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ આવેલા પેરેડાઇઝ પાલ્મ્સ એપાર્ટમેન્ટના બી ટાવરમાં વીજ બિલ બાકી હોવાના કારણે મધરાત્રીએ વીજ પૂરવઠો બંધ કરવામાં આવ્યો. સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક ઓનલાઈન પેમેન્ટ કરી દેવાયા છતાં પણ કલાકો સુધી વીજળી પૂરવઠો શરૂ ન થતાં રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
બી ટાવરના રહીશ દુષ્યંત ગોસાઈએ જણાવ્યું કે, સ્માર્ટ મીટરના કારણે રાતના 3 વાગ્યાથી 84 ઘરોમાં વીજળી નહોતી. અમે જીઇબીમાં અનેક વખત ફોન કર્યો, પરંતુ કર્મચારીઓ આવીને તપાસ કર્યા બાદ પાછા જતા રહ્યા. અંતે જણાવાયું કે સ્માર્ટ મીટર હોવાથી ઓનલાઇન સિસ્ટમથી વીજળી બંધ થઈ હતી. બિલ ભર્યા બાદ પણ લાઈટ ચાલુ થવામાં કલાકો લાગ્યા.
વધુમાં તેમણે વધુમાં ઉમેર્યું કે, પહેલા સરકારી અધિકારીઓના ઘરોમાં સ્માર્ટ મીટર લગાડો, પછી અમારે ઘરે લગાવજો. અમને આ મીટર જોઈતા નથી.
સ્થાનિક રહેવાસી વૈશાલીબેનએ પણ અસંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે, બિલ ભરાયું હોવા છતાં ત્રણ કલાક સુધી લાઈટ નહીં આવતા રહેવાસીઓ હેરાન થયા. 14 માળની બિલ્ડિંગમાં નાના બાળકો અને વડીલોને ભારે પરેશાની થઈ ગયા હતા. આ સ્માર્ટ મીટર દૂર કરીને સાદા મીટર પાછા આપો.
સમગ્ર મામલે MGVCLના અધિકારી પંકજ તાનાવાલાએ જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટરમાં પ્રિ-પેઇડ રિચાર્જની કોઈ સુવિધા નથી. વીજ પૂરવઠો બંધ થવાનું કારણ રિચાર્જ ન હોવું શક્ય નથી. કોઈ અન્ય કારણસર વીજળી ખોરવાઈ હશે, જેના માટે તંત્ર તપાસ કરી રહ્યું છે. ખામી મળી આવતા તેને ઝડપથી દૂર કરવામાં આવશે.
સ્માર્ટ વીજ મીટર શરૂ થયા ત્યારથી જ શહેરમાં અનેક વિસ્તારોમાં આવી સમસ્યાઓ સામે આવી છે. રહીશો વારંવાર ફરિયાદો કરી રહ્યા છે છતાં સમસ્યા યથાવત છે. આ ઘટનાએ ફરી એકવાર સ્માર્ટ મીટરના વિવાદને ચરમસીમાએ પહોંચાડ્યો છે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
