<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

રક્ષાબંધનથી ૧૧ ઓગસ્‍ટ સુધીઅમદાવાદથી દરરોજ ૨૦૦ વધારાની એસટીબસ દોડાવાશે

જન્‍માષ્ટમીને લઇને દ્વારકા જતી ટ્રેનો અત્‍યારથી જ હાઉસફુલ ૭ થી ૯ ઓગસ્‍ટ માટે એસટીની કુલ ૧૩,૧૫૭ સીટોનું એડવાન્‍સ બુકિગ થઇ ગયું

રાજકોટઃ સાતમ, આઠમ, જન્‍માષ્ટમી સહિતના તહેવારોને લઈને એસ.ટી.નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદ વિભાગમાંથી તા.દ ઓગસ્‍ટથી રોજની ૨૦૦ બસો એકસ્‍ટ્રા દોડાવવામાં આવશે. આ બસો રાણીપ, કૃષ્‍ણનગર અને ગીતામંદિર ખાતેથી ઉપડશે. વધારાની બસો અમદાવાદથી સુરત, બરોડા, રાજકોટ, મોરબી, ભુજ, પંચમહાલમાં જાલોદ, દાહોદ, ગોધરા માટે દોડશે. રક્ષાબંધનને લઈને તા. ૬થી ૧૧ ઓગસ્‍ટ સુધી રૂટિન બસો સિવાય વધારાની ૨૦૦ બસો દોડશે. અમદાવાદ વિભાગમાં તા. ૭ થી ૯ ઓગસ્‍ટ સુધીના સમયગાળા માટે કુલ ૧૩ હજારથી વધુ સીટો એડવાન્‍સમાં બુકિગ પણ થઇ ગઇ છે.

બીજી બાજુ દ્વારકા, ઉજૈન સહિતના ધાર્મિક સ્‍થળોએ જતી ટ્રેનોમાં પણ અત્‍યારથી જ હાઉસફૂલના પાટિયા વાગી ગયા છે. શ્રાવણમાંલોકો ખાસ કરીને હરિદ્વાર જતા હોય છે ત્‍યારે સાબરમતી-હરિદ્વાર વિશેષ ટ્રેનનો દોડાવવા લેખિતમાં રજૂઆતો પણ કરાઈ છે. બીજા બાજુ ગોવા સહિતના વિવિધ પર્યટન સ્‍થળો માટેની હવાઈ ટિકિટના દરોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

ઓગસ્‍ટ માસના મહત્‍વના તહેવારો રક્ષાબંધન, જન્‍માષ્ટમી, શ્રાવણ માસ દરમિયાન લોકો ડાકોર, દ્વારકા, સોમનાથ, અંબાજી, પાવાગઢ, ગિરનાર (ભવનાથ મહાદેવ), અક્ષરધામ (ગાંધીનગર), સાળંગપુર, શામળાજી, તુલસી શ્‍યામ મંદિર (ગીર), સાપુતારા, પોલોના જંગલ, નર્મદા વોટરફલો, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી. ગીર-સાસણ ગીર, જેસોર વન્‍ય અભયારણ્‍ય (બનાસકાંઠા) સહિતના સ્‍થળોએ જતા હોય છે. દર વર્ષે આ સ્‍થળોએ રજાઓ, તહેવારોમાં ભારે ધસારો જોવા મળે છે.

અમદાવાદથી ઉપડતી ટ્રેનમાં નો-રૂમ

ટ્રેન નંબર        કઇ તારીખોમાં હાઉસફૂલ

૧૬૭૩૩          ૧૧ ઓગસ્‍ટથી ૧૫ સપ્‍ટેમ્‍બર

૨૨૯૪૫          ઓગસ્‍ટ માસમાં ૬,૧૨,૧૮, ૨૫, ૨૬,

                  ૨૭. ૩૦ સિવાયના તમામ દિવસો

૧૯૧૬૭          ૫ થી ૧૪ ઓગસ્‍ટ.

૧૧૪૬૫          ૯ થી ૧૬ ઓગસ્‍ટ

૧૮૩૦૮          ૯.૧૨,૧૩ સિવાયના ૧૮ ઓગસ્‍ટ

        સુધીના તમામ દિવસ

(નોંધઃ ઉપરોક્‍ત ટ્રેનોમાં સ્‍લીપર ક્‍લાસની સ્‍થિતિ દર્શાવાઈ છે)

આ મહિનાના તહેવારો

તારીખ           તહેવાર

૯               રક્ષાબંધન

૧૩              નાગ પાંચમ

૧૪              રાંધણ છઠ

૧૫              સ્‍વાતંત્ર્ય દિન

૧૬              જન્‍માષ્ટમી

૨૭     ગણેશ ચતુર્થી

(9:54 AM IST)