<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

અમદાવાદમાં 'ઓપરેશન સિંદૂર'ની થીમ પર ટ્રાફિક સર્કલ ડેવલપ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જંક્શન અને સર્કલ માટેનાં રસ્થળ અંગેનાં સર્વે પણ હાથ ધરાયા

અમદાવાદ :  જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ નાગરિકોનો બદલો લેવા માટે ભારતીય સેનાએ હાથ ધરેલા શૌર્યપૂર્ણ ‘ઓપરેશન સિંદૂર'ની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. અમદાવાદ શહેરમાં કેટલાક ઓપન પ્લોટમાં પણ 'ઓપરેશન સિંદૂર'ની થીમ પર સિંદુરનાં વૃક્ષો ઊગાડવામાં આવી રહ્યા છે. હવે શહેરનાં અનેક ગાર્ડન પાસે 'ઓપરેશન સિંદૂર'ની થીમ પર આધારિત સર્કલ બનાવાશે. આ સર્કલ બનાવવા માટેની ડિઝાઈન અને નાણાકીય અંદાજ માટે કન્સલ્ટન્ટ નિમવામાં આવશે, સાથે જ ખર્ચ અંગેનાં ક્વોટેશન પણ મંગાવવામાં આવશે. ત્યાર બાદ કોર્પોરેટ ટ્રસ્ટ કે અન્ય સેવાભાવી સંસ્થાને મેન્ટેનન્સ સાથે નિભાવ માટે દત્તક આપવામાં આવશે તો ક્યાંક તમામ ખર્ચ સાથે 'ઓપરેશન સિંદૂર'ની થીમ પર ગાર્ડન ડેવલપ કરવા કે સર્કલ ડેવલપ કરવા માટે દત્તક આપવામાં આવશે.

શહેરમાં 'ઓપરેશન સિંદૂર'ની થીમ પર ટ્રાફિક સર્કલ ડેવલપ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જંક્શન અને સર્કલ માટેનાં રસ્થળ અંગેનાં સર્વે પણ હાથ ધરાયા છે. પાલિકા અને પોલીસની ટીમે આ સર્વે કરી કેટલાક જર્જરીત સ્થળ પર ફરી સર્કલ બનાવવા માટે નિર્ણય લીધો છે. આ સર્કલ 'ઓપરેશન સિંદૂર'ની થીમ પર બનાવવામાં આવશે. આ માટે સાંસદોની ગ્રાન્ટમાંથી ખર્ચ કરાશે.

'ઓપરેશન સિંદૂર'ની થીમ પર ટ્રાફિક સર્કલ બનાવવા માટે જરૂરી પ્લાનિંગ, અંદાજ, સ્ટ્રક્ચરલ અને આર્કિટેક્ચરલ ડિઝાઈન, ડીપીઆર તૈયાર કરવા તેમજ કન્સલ્ટન્ટની નિમણૂક કરવા માટે સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં ટ્રાફિક સિગ્નલની અમલવારી વચ્ચે છેલ્લા એક વર્ષ દરમિયાન એક પછી એક ઘણાં સર્કલો તોડવાના શરૂ કરાયાં હતાં, આ સર્કલ હવે નવેસરથી ડિઝાઈન કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં વૈષ્ણોદેવી નજીક તાજેતરમાં જ સિંદૂરવન બનાવવાની શરૂઆત કરવામાં આવી છે શહેરમાં એક લાખથી વધુ સિંદૂરના છોડ ઉછેરવાનું આયોજન છે. 'ઓપરેશન સિંદૂર'ની થીમ પર એક મેમોરિયલ પાર્ક પણ બનાવવામાં આવશે. ઓપરેશન સિંદૂર સમયે ભારતીય સરહદે પર ખડે પર્ગે પોતાની ફરજ બજાવનાર તેમજ પાકિસ્તાન સામે લડાઈમાં ભાગ લેનાર જવાનોના અભૂતપૂર્વ સાહસને બિરદાવવાનો છે.

(12:31 AM IST)