<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

અમદાવાદથી સુરેન્‍દ્રનગર તથા પાલીતાણા રૂટ ઉપર એસ.ટી દ્વારા ૨×૨ ACબસો દોડતી થઇ

મુસાફરોને કોઇ જાતના ઝર્ક ના અનુભવાય તેવી બસ : દિવ્‍યા ટ્રાવેલ્‍સને મળેલો કોન્‍ટ્રાકટ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૪: ગુજરાત રાજ્‍ય ST નિગમ દ્વારા દિવ્‍યા ટ્રાવેલ્‍સ નામની કંપનીને નવી૨×૨ AC લક્‍ઝરી બસ ચલાવવા માટેનો કોન્‍ટ્રાક્‍ટ આપવામાં આવ્‍યો છે. બસના સુપરવાઈઝર મુન્નાભાઈએ બસની સુવિધાઓ અને સ્‍પેસિફિકેશન અંગે જણાવ્‍યું હતું કે, આ બસમાં આગળ અને પાછળ બંને જગ્‍યાએ એર સસ્‍પેન્‍સર રાખવામાં આવ્‍યા છે.

વધુમાં જણાવ્‍યું હતું કે, બસ ચાલતી હોય ત્‍યારે મુસાફરોને કોઈપણ જાતનો ઝર્ક ના અનુભવાય તે પ્રકારે આ બસ બનાવવામાં આવી છે. પૂશબેક સાથે અત્‍યંત આરામદાયક સીટ અને સલામતી માટે ફાયર સેફ્‌ટી તેમજ ઇમરજન્‍સી એક્‍ઝિટ ડોર લગાવવામાં આવ્‍યો છે. સીસીટીવી કેમેરા પણ અલગ અલગ જગ્‍યાએ લગાવ્‍યા છે જેનું મોનિટરિંગ ડ્રાઈવર પાસે રાખવામાં આવ્‍યું છે.

આ વર્ષના બજેટમાં રાજ્‍ય સરકારે કુલ ૧૯૬૩ નવી બસોની ખરીદીની મંજૂરી આપી છે. તેમજ PPP મોડલ અંતર્ગત ૧૦૦ આધુનિક AC બસોના સંચાલનનું આયોજન પણ હાથ ધરીને સમગ્રતયા ૨૦૬૩ બસો લોકોની સેવામાં મૂકવામાં આવશે. તાજેતરમાં રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ અને વાહન વ્‍યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા ૧૫૧ જેટલી બસોનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. ૧૫૧ સુપર એક્‍સપ્રેસ બસો રૂપિયા ૫૨.૬૩ કરોડના ખર્ચે જનસેવામાં મુકવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત ST નિગમ દૈનિક ૮ હજારથી વધુ બસો દ્વારા દરરોજ ૩૩ લાખ કિમીનું સંચાલન કરીને ૨૭ લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્‍ય સ્‍થાને પહોંચાડે છે. તહેવારો અને વિશિષ્ટ અવસરો પર વધારાની બસોનું સંચાલન કરીને નિગમ અવિરત સેવાથી સમગ્ર સમાજને જોડતું રહ્યું છે.

બંસની અંદર, ડ્રાઈવરની કેબિન અને પાછળના ભાગમાં એમ અલગ અલગ ૪ જગ્‍યાએ CCTV કેમેરા લગાવવામાં આવ્‍યા છે જેનું સીધુ મોનિટરિંગ ડ્રાઈવર કરી શકે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. જો બસમાં આગળ અથવા પાછળના ભાગમાં કોઈપણ પ્રવળત્તિ થતી હોય તો ડ્રાઈવરને તેની તરત જાણ થઈ શકે છે. મુસાફરોને કચરો નાખવા માટે ડસ્‍ટબિનની પણ સુવિધા આપવામાં આવી છે. આ ઉપરાંત લોકો પોતાનો સામાન સુરતક્ષિત મુકી શકે તેના માટે થઈને અલગથી લગેજ બોક્‍સ પણ મુકવામાં આવ્‍યું છે

મુસાફરોની સેફ્‌ટીને ધ્‍યાનમાં રાખીને અત્‍યાધુનિક ફાયર સિસ્‍ટમ લગાવવામાં આવી છે. જેમાં બસના એન્‍જિનમાં FDSS (ફાયર ડિટેક્‍શન એન્‍ડ સુપ્રેશન સિસ્‍ટમ) લગાવવામાં આવી છે. જેથી બસના એન્‍જિનમાં જો કયારેય પણ કોઈ નાનો મોટો સ્‍પાર્ક થાય તો તરત જ આ સિસ્‍ટમ એક્‍ટિવ થઈ જાય અને સીધો સ્‍પ્રે કરીને આગ લાગવાની ઘટનાને ટાળી શકાય છે.

બસમાં કયારેય કોઈ દુર્ઘટના દરમિયાન બસમાંથી બહાર નીકળવા માટે ઇમરજન્‍સી એક્‍ઝિટ ડોર અને કાચ તોડવા માટે હેમર પણ લગાવવામાં આવ્‍યા છે. આ ઉપરાંત બસમાં જો આગ લાગવાની ઘટના તો આગ બુજાવવા માટે ડ્રાય કેમિકલ પાવડર ટાઈપ ૨ ફાયર એસ્‍ટિંગ્‍યુશર બોટલ પણ રાખવામાં આવી છે

(1:53 PM IST)