તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 31st July 2025
વડોદરામાં છાણી સ્મશાનના લાકડા મુદ્દે ભાજપ-કોંગ્રેસના નેતા આમને -સામને : પોલીસે સમાધાન કરાવવું પડ્યું
કોંગ્રેસના કોર્પોરેટરોનો આક્ષેપ છે કે સતીશ પટેલે પોતાના પુત્ર અને ગામના લોકોને બોલાવી દાદાગીરી કરી : મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો પરંતુ અંતે બંને પક્ષે સમાધાન થયું

વડોદરામાં પાલિકા દ્વારા શહેરના 31 સ્મશાનોનું સંચાલન ખાનગી સંસ્થાઓને સોંપ્યા બાદથી વિવાદો અટકતા નથી. તાજેતરમાં છાણી સ્મશાનમાંથી લાકડા લઈ જવાના મુદ્દે ભારે ઘર્ષણ સર્જાયું છે. ભાજપ અને કોંગ્રેસના નેતા સામ-સામે આવી ગયા હતા. મામલો એ હદે વધી ગયો હતો કે પોલીસે હસ્તક્ષેપ કરીને સમાધાન કરાવવું પડ્યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર, છાણી સ્મશાનમાંથી આજુબાજુના ગામના લોકો લાકડા લઇને જતા જોવા મળ્યા હતા. જેની સામે કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલ અને અન્ય લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. સ્મશાનના લાકડા છાણી ગામના લોકો માટે જ છે, તેને અન્યત્ર કેમ લઇ જવામાં આવે છે તેમ કહીને વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન પાલિકાના સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને ભાજપ નેતા સતીશ પટેલ આવી પહોંચ્યા હતા.
કોંગ્રેસના કોર્પોરેટરોનો આક્ષેપ છે કે સતીશ પટેલે પોતાના પુત્ર અને ગામના લોકોને બોલાવી દાદાગીરી કરી હતી. મામલો એટલો વધ્યો કે પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. પરંતુ અંતે બંને પક્ષે સમાધાન થયું હતું. સતીશ પટેલનું કહેવું છે કે પાલિકા સ્મશાનોના સંચાલન માટે ખાનગી કોન્ટ્રાક્ટરને જવાબદાર ઠેરવે છે. તેમણે જણાવ્યું કે, લાકડા ગામજનોના સહકારથી એકત્ર કરાયા હતા અને નજીકના ગામોમાં દાન રૂપે આપ્યા હતા. તેમણે કોંગ્રેસના કોર્પોરેટરો પર ધમકીનો આક્ષેપ પણ કર્યો હતો
આ વિવાદને કારણે ફરીથી સ્મશાનોના સંચાલનનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. પાલિકાએ સ્મશાનો ઝોન દીઠ અલગ અલગ સંસ્થાઓને સોંપતા વર્ષોથી સેવા આપતી સંસ્થાઓમાં નારાજગી જોવા મળી હતી. શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ પત્રકાર પરિષદ બોલાવી કહ્યું હતું કે, જૂની સંસ્થાઓ ઈચ્છે તો ફરીથી સંચાલનમાં સહભાગી થઈ શકે છે.
પરંતુ સતીશ પટેલે છાણી સ્મશાનના લાકડાનું વિતરણ પોતે કર્યું હોવાનો સ્વીકાર કરતા શહેર ભાજપની અંદર મતભેદો પણ સામે આવ્યા છે. સ્પષ્ટ થઈ રહ્યું છે કે, ભાજપના નેતાઓ સ્મશાનના સંચાલનમાં સીધો રસ દાખવતા નથી. છાણી સ્મશાનનો લાકડાનો વિવાદ માત્ર એક ઘટના નથી, પરંતુ તે બતાવે છે કે સ્મશાનોના સંચાલન અંગે પાલિકા, કોન્ટ્રાક્ટર અને રાજકીય પક્ષો વચ્ચે મતભેદો હજુ યથાવત છે
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
