<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

અને અનુપમસિંહ ગેહલોતના અનોખા પ્રયોગથી ૫૪ લોકો આપઘાત કરતાં અટકી ગયેલ...

સુરતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૮૬૬ આપઘાતના બનાવો બન્‍યાનું ધ્‍યાન પર આવતા અનુપમસિંહ ગેહલોત અચંબો પામી ગયેલ....

૨૧ જૂનથી ૧૪ જુલાઇ સુધી હેલ્‍પ લાઇન પર ૩૦૮ કોલ આવેલ. ૩૦૧ લોકોને પ્રોફેશનલ કાઉન્‍સિલિંગ અપાયેલ. ૯૭ લોકોને બે ડીસીપીના માર્ગદર્શન હેઠળની ટીમે લોકોને આપઘાતનો  વિચાર કચરા ટોપલીમાં નાખવા સમજાવેલ. અદભુત, અનુકરણીય કથા...

હોસ્‍પિટલ તેમજ પોલીસ રેકોર્ડમાંથી આપઘાતના બનાવની માહિતી મંગાવી તેનો અભ્‍યાસ કરવામાં આવ્‍યો હતો. જેના આધારે સુરત શહેરમાં છેલ્લા ૩ વર્ષમાં ૧,૮૬૬ જેટલા આત્‍મહત્‍યાના કેસ નોંધાયા હોવાનું સામે આવ્‍યું છે. જે સુરત શહેર માટે ચિંતાજનક આંકડો કહી શકાય છે. સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્‍યું કે, શહેરમાં બની રહેલા આપઘાતના બનાવને અટકાવવા માટે પોલીસની આત્‍મહત્‍યા નિવારણ હેલ્‍પલાઇન સેવા લોકો માટે જીવન રક્ષક બની છે. જેમાં ૧૦૦ નંબર તો છે, જ પરંતુ હવે લોકોને આત્‍મહત્‍યાનો વિચાર આવે તો તાત્‍કાલિક ધોરણે ૮૧૨૮૩૦૮૧૦૦ આ નંબર ૨૪ કલાક કાર્યરત રહેશે. છેલ્લા ૨૧ દિવસમાં આત્‍મહત્‍યાનો પ્રયાસ કરનારા ૫૪થી વધુ લોકોના પોલીસે જીવ બચાવ્‍યા છે.

એટલું જ નહીં, તા. ૨૧ જૂનથી ૧૪ જુલાઈ સુધી આત્‍મહત્‍યા નિવારણ હેલ્‍પલાઇન નંબર પર ૩૦૮ કોલ આવ્‍યા હતા. જેમાંથી ૩૦૧ લોકોને પ્રોફેશનલ કાઉન્‍સિલિંગ આપવામાં આવ્‍યું છે, જ્‍યારે ૯૭ લોકોને પોલીસે સામે બેસાડી આત્‍મહત્‍યા નહીં કરવા અંગે સમજાવ્‍યા હતા. તો બીજી તરફ, ૫૪ લોકો તો આત્‍મહત્‍યા કરવાના પ્રયાસ સુધી પહોંચી ગયા હતા. જોકે, અંતિમ ઘડીએ પોલીસે પહોચી જઈ તેમને બચાવી લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જીવનમાં જુદા જુદા કારણોથી ઘેરાઈ કોઈ ઉકેલ ન મળતા આપઘાત તરફ લોકો વળતા, જે અસંભવ સ્‍થિતિ સંભવ બની. પોલીસ ધારે તો શું ન કરી શકે એનું આ ઉતમ ઉદાહરણ છે.(૨૩.૨૨)

(3:42 PM IST)