તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 30th July 2025
થરાદમાં યુરિયા ખાતરની તીવ્ર અછત : ખરીદ વેચાણ સંઘ ખાતે વહેલી સવારથી લાઈનમાં ઊભા રહેલા ખેડૂતોને પૂરતું ખાતર ન મળતાં આક્રોશ
વહેલી સવારથી ભૂખ્યા-તરસ્યા ઊભા રહેલા ખેડૂતોએ આંદોલનની ચીમકી

થરાદ પંથકમાં હાલમાં યુરિયા ખાતરની તીવ્ર અછત વર્તાઈ રહી છે. ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે, જ્યાં ખેડૂતો પોતાનું કામ છોડીને વહેલી સવારથી ખાતર માટે કતારમાં ઊભા રહ્યા છે. જોકે, જ્યારે ખેડૂતોનો વારો આવે છે ત્યારે તેમને પૂરતું ખાતર મળી રહ્યું નથી, અને જરૂરત કરતાં ઓછું યુરિયા ખાતર મળતું હોવાથી ખેડૂતો પોતાની વેદના ઠાલવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, વર્તમાન સમયે ખેતીના પાકોના વિકાસ માટે યુરિયા ખાતર અત્યંત આવશ્યક છે, અને જો સમયસર ખાતર નહીં મળે તો પાકને મોટું નુકસાન થઈ શકે છે.
ખેડૂતોએ જણાવ્યું કે, સવારના 9 વાગ્યે સંઘ ખુલે છે અને ભૂખ્યા-તરસ્યા ખેડૂતો અહીં ખાતર માટે ઊભા છે. હાલમાં લગભગ 300થી 400 બેગ ખાતર બાકી રહી છે અને લગભગ અત્યારે 400 ખેડૂતો અહીં હાજર છે. આ સંજોગોમાં, જો આ ખાતર પૂરો થઈ જશે અને ખેડૂતોને માલ નહીં મળે તો તેમના આજના દિવસની ગણતરી શું કરવી તે મોટો પ્રશ્ન છે. ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે કે, જો તેમને ખાતર નહીં મળે તો ભવિષ્યમાં સરકાર માટે જે ખેડૂતો આંદોલન કરશે, તે સહન કરવાનો વારો સરકારને ભવિષ્યમાં તૈયારી રાખવી પડશે.
થરાદના તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેને પણ ખાતરની અછત હોવાની કબૂલાત કરી છે. તેમણે જણાવ્યું કે, 500 ટન ખાતર ફાળવવામાં આવ્યું હતું, પરંતુ તેમના સુધી હજુ સુધી માત્ર 98 ટન ખાતર જ આવ્યું છે, જેને કારણે હાલ ખાતરની તીવ્ર અછત વર્તાઈ રહી છે. ચેરમેને વધુમાં ઉમેર્યું કે, તેમને ફક્ત 105 ટન ખાતર મળ્યું હતું, જેમાંથી 30 ટન માર્કેટયાર્ડ શાખાની અંદર અને 75 ટન હજી પૂરેપૂરું તેમની પાસે આવ્યું નથી. હાલમાં તેમની પાસે આશરે 58 ટન ખાતર જ ઉપલબ્ધ છે.
ચેરમેનના જણાવ્યા અનુસાર, સરકાર આ મહિનાથી તાલુકાવાર ખાતરની ફાળવણી કરી રહી છે. જોકે, આ ફાળવણી માત્ર થરાદ પૂરતી સીમિત નથી, પરંતુ વાવ તાલુકા અને દિયોદર તાલુકાના ખેડૂતો પણ અહીં ખાતર લેવા આવે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ ખાતર ખેડૂતો માટે છે અને જો ખાતરની અછત હશે તો કોઈ પણ સંઘ તેને પૂરી કરી શકે નહીં. આ ગંભીર કટોકટી માત્ર એક તાલુકા પૂરતી સીમિત ન રહેતા વ્યાપક બનવાની ભીતિ સેવાઈ રહી છે, જ્યાં સુધી ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી ખેડૂતોની હાલાકી યથાવત રહેશે.
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
