તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th July 2025
અમદાવાદના શાહીબાગમાં ફોર્ચ્યુનર કાર ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારતા ઘટનાસ્થળે જ મૃત્યુ
ફોર્ચ્યુનરની ટક્કર બાદ એક્ટિવા ચાલક સીધો જ આગળ જતી રિક્ષા સાથે અથડાયો :18 વર્ષીય કાર ચાલક આદિત્યસિંહ રાઠોડની અટકાયત

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ફોર્ચ્યુનર કાર ચાલકે એક્ટિવા ચાલકને જોરદાર ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. કાર ચાલક આદિત્યસિંહ રાઠોડની ઉંમર માત્ર 18 વર્ષ છે અને તે ભયંકર સ્પીડમાં ગાડી હંકારી રહ્યો હતો.
મોડી રાત્રે શાહીબાગ રાષ્ટ્રીય સ્મારક નજીક બનેલી આ ઘટનામાં, ફોર્ચ્યુનરની ટક્કર બાદ એક્ટિવા ચાલક સીધો જ આગળ જતી રિક્ષા સાથે અથડાયો હતો. મૃતકનું નામ મહેન્દ્ર ગોહિલ હતું, જેની ઉંમર 43 વર્ષ હતી અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. તેઓ સેલ્સમેનની નોકરી કરતા હતા. આ અકસ્માતમાં રિક્ષા ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ અકસ્માત સર્જનાર ફોર્ચ્યુનર કાર ચાલક આદિત્યસિંહ રાઠોડની પોલીસે અટકાયત કરી લીધી છે. તેણે ખૂબ જ ઓવર સ્પીડમાં કાર હંકારી હતી, જેના પરિણામે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રાફિક પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચિંતાજનક બાબત એ છે કે, આ જ શાહીબાગ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં અકસ્માતની આ બીજી ઘટના છે. આ બંને ઘટનાઓમાં કુલ બે લોકોના મોત નીપજ્યા છે
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
