<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

ફૂલમાંથી ફર્ટિલાઈઝર: સુરત મહાનગરપાલિકાના વર્મી કમ્પોસ્ટીંગ પ્લાન્ટમાં એકત્રિત ફૂલ-પાનના વેસ્ટમાંથી ગત વર્ષે ૭૦ ટન વર્મી કમ્પોસ્ટનું ઉત્પાદન

શહેરના કતારગામ, સેન્ટ્રલ, રાંદેર અને અઠવાઝોનના ૨૯૭ ધાર્મિક પરિસરોમાંથી દૈનિક ૭૦૦ કિ.ગ્રા. પૂજાપો, કચરાનું એકત્રીકરણ: પ્રકૃતિના તત્વોથી પ્રકૃતિનું જતન: SMC દ્વારા કચરા પર યોગ્ય પ્રક્રિયાથી તૈયાર કરાતા સેન્દ્રિય ખાતરનો ઉપયોગ શહેરભરના છોડ-વૃક્ષોમાં કરાય છે

સુરત: વર્ષોથી સ્વચ્છતામાં અગ્રેસર સુરત શહેરને સ્વચ્છ, પ્રદૂષણમુક્ત અને હરિયાળું રાખવા સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. સુરત મનપાએ પ્રકૃતિના તત્વોથી પ્રકૃતિનું જતનનો માર્ગ અપનાવ્યો છે. મનપા દ્વારા કાર્યરત વર્મી કમ્પોસ્ટીંગ પ્લાન્ટમાં ફૂલ-પાનના વેસ્ટમાંથી ગત વર્ષે ૭૦ ટન વર્મી કમ્પોસ્ટનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. કચરામાંથી કાચું સોનું તૈયાર કરતો આ પ્લાન્ટ વર્ષ ૨૦૧૭માં ચોકબજાર ખાતે અને વર્ષ ૨૦૧૮થી કતારગામ સિંગણપોર ખાતે કાર્યરત છે. જેમાં શહેરના વિવિધ મંદિરો, દેરાસરો અને દરગાહમાંથી એકઠા કરાયેલા ફૂલો, પૂજાપાનું પ્રોસેસિંગ કરી ફર્ટિલાઈઝર બનાવવામાં આવે છે. ગત વર્ષે આ પ્લાન્ટ થકી ૨.૩૦ લાખ કિલો ફ્લાવર વેસ્ટમાંથી ૭૦ હજાર કિલો ખાતર તૈયાર કરવામાં આવ્યું હતું.  
   પ્લાન્ટ અંગે વિસ્તૃત જાણકારી આપતા સેનેટરી સબ ઈન્સ્પેક્ટર નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, આ પ્લાન્ટ હેઠળ કતારગામ, સેન્ટ્રલ, રાંદેર અને અઠવાઝોનના અંદાજિત ૨૯૭ ધાર્મિક પરિસરોમાંથી દૈનિક ૭૦૦ કિ.ગ્રા જેટલો ફૂલ-પાન સહિતનો કચરો એકત્રિત કરવામાં આવે છે. દેવસ્થાનોનો ફ્લાવર વેસ્ટ, પૂજાપો પહેલા નદી-નાળામાં પધરાવાથી પાણી પ્રદૂષિત થવાની સાથે લોકોમાં ચામડી સહિતના રોગ થવાનો ભય રહેતો હતો. તેથી નદી-નાળામાં થતું પાણી પ્રદૂષણ અટકાવવાના વૈકલ્પિક સ્વરૂપે SMC દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના હેતુથી વર્મી કમ્પોસ્ટીંગ પ્રોજેક્ટની શરૂઆત થઈ.
પ્રોસેસિંગની પદ્ધતિ

નીતિનભાઈએ કહ્યું કે, કચરાને (૧)કલેક્શન અને સેગ્રીગેશન, (૨) પ્રિ-કંપોસ્ટીંગ, (૩) વર્મી કંપોસ્ટીંગ અને (૪) વર્મી કંપોસ્ટ એમ વિવિધ ચાર વિભાગમાં વહેંચીને ખાતર બનાવવામાં આવે છે. પ્રથમ વિભાગમાં વેસ્ટ ભેગો કરી તેમાંથી દૂધની થેલી, કોડિયા, માટીની મૂર્તિ, શ્રીફળ, બેલ અને માટલીઓને છૂટા પાડવામાં આવે છે. વર્ગીકરણ બાદ બચેલા ગ્રીન વેસ્ટને ગાયના છાણ સાથે ૬૦:૪૦ના રેશિયોમાં ભેગો કરી સડાવીને અળસિયાને ખાવાલાયક બનાવવામાં આવે છે. જેમાં અંદાજે ૩૫ દિવસનો સમય લાગે છે. ત્યારબાદ પ્રિ કમ્પોસ્ટ વેસ્ટમાં અળસિયા ભેગા કરવાથી અળસિયા ઉત્તમ પ્રકારનું વર્મી કમ્પોસ્ટ તૈયાર કરે છે. જેમાં ફરી ૩૫ દિવસનો સમય લાગે છે. અને અંતિમ તબક્કામાં તૈયાર થયેલા ખાતરમાંથી અળસિયા કાઢી લઈ વેસ્ટને ચાળવામાં આવે છે, જેનાથી વપરાશ માટે તૈયાર ખાતર મળે છે.
    વધુમાં તેમણે કહ્યું કે, આ પ્લાન્ટ થકી તૈયાર થતાં ખાતરને SMCના ગાર્ડન વિભાગમાં આપવામાં આવે છે અને તેઓ દ્વારા સમગ્ર શહેરમાં ડિવાઈડરો અને બાગ બગીચાઓમાં થતાં છોડ-વૃક્ષોમાં ઉપયોગ કરવામાં આવે છે.સાથે જ તેમણે કહ્યું કે, ફ્લાવર વેસ્ટમાંથી બનતા ફર્ટિલાઈઝેશન પ્લાન્ટથી પ્રેરિત થઈ શહેરની વિવિધ શાળા-કોલેજોમાં પણ હવે ગાર્ડન વેસ્ટમાંથી વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે.  
વર્મી કમ્પોસ્ટની વિશેષતા
    અળસિયા દ્વારા તૈયાર કરાતા સેન્દ્રિય ખાતરની વિશેષતા જણાવતા નિતીનભાઈએ કહ્યું કે, ધરતીનું કાળું સોનું ગણાતા અળસિયા જમીનને ફળદ્રુપ રાખવાનું કામ કરે છે. તેઓ ધરતીને નરમ રાખે છે, જેથી વરસાદનું મીઠું પાણી જમીનમાં ઉતરે છે જે જમીનની ગુણવત્તા સુધારે છે. તેમજ વર્મી કમ્પોસ્ટમાં નાઈટ્રોજન ૧.૦-૧.૫ ટકા, ફોસ્ફરસ ૦.૫-૧.૦ ટકા, પોટેશિયમ ૧.૫-૨.૦ ટકા રહેલાં હોય છે. આ ઉપરાંત કોબાલ્ટ, કેલ્શિયમ, ઝીંક, બોરોન જેવાં સૂક્ષ્મ પોષક તત્વો પર્યાપ્ત માત્રામાં હોય છે. જોકે, જુદાં જુદાં સેન્દ્રિય પદાર્થોમાં પોષક તત્વોનું પ્રમાણ અલગ અલગ હોવાથી તૈયાર થયેલા વર્મી કમ્પોસ્ટમાં પણ આ પોષક તત્વોનું પ્રમાણ અલગ અલગ માત્રામાં હોય છે.

(8:15 PM IST)