<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

અંકલેશ્વરના દઢાલ ગામમાં ગ્રામજનો જીવના જોખમે અંતિમયાત્રા કાઢવા મજબુર બન્યા

ગામના લોકો નદીના પાણીમાંથી પસાર થઈને મૃતદેહને સ્મશાન સુધી લઈ જતા જોવા મળ્યા

અંકલેશ્વરના દઢાલ ગામમાં ચોમાસા દરમિયાન ગ્રામજનોને જીવના જોખમે અંતિમયાત્રા કાઢવાની ફરજ પડી રહી છે. એક હૃદયદ્રાવક દ્રશ્યમાં, ગામના લોકો નદીના પાણીમાંથી પસાર થઈને મૃતદેહને સ્મશાન સુધી લઈ જતા જોવા મળ્યા છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

 

વાઈરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલાક યુવાનો જીવના જોખમે કાદવ અને પાણીમાંથી નદી પાર કરી રહ્યા છે, જેથી અંતિમ વિધિ માટે મૃતદેહને સામેના ભાગે આવેલા સ્મશાન સુધી પહોંચાડી શકાય. આ માર્ગ કાદવ-કિંચરવાળો હોવાથી અને ચોમાસાની સિઝનમાં સતત પાણી ભરાયેલું રહેતું હોવાથી ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિને કારણે ગામમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે તેમની અંતિમવિધિ માટે પણ આ જોખમી રસ્તાનો ઉપયોગ કરવો પડે છે.

ડાઘુઓ માટે જીવના જોખમે નદી પાર કરવી એ એક ગંભીર સમસ્યા છે, અને આ સ્થિતિ માત્ર વરસાદી મોસમ પૂરતી સીમિત નથી, પરંતુ બારેમાસ પાણી ભરાઈ રહેવાની સમસ્યાને કારણે ગ્રામજનો માટે રોજિંદી અવરજવર પણ મુશ્કેલ બની જાય છે. આ સમસ્યાના કારણે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને તેઓ સુરક્ષિત માર્ગની સતત રાહ જોઈ રહ્યા છે.

કમનસીબીની વાત એ છે કે આ વિસ્તારમાં આદિવાસી સાંસદ મનસુખ વસાવા હોવા છતાં, આવા ટ્રાઇબલ વિસ્તારોમાં આવી સમસ્યાઓ વારંવાર સર્જાતી રહે છે. ગ્રામજનો સરકાર અને તંત્રનું ધ્યાન દોરીને આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી તીવ્ર માંગ કરી રહ્યા છે. તેમની માંગ છે કે આ માર્ગને સુવિધાયુક્ત બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈને પણ જીવના જોખમે અંતિમયાત્રા કાઢવી ન પડે.

(4:02 PM IST)