<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

વડોદરામાં આયુર્વેદિક એમડીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત

મૂળ હિમાચલ પ્રદેશની રહેવાસી વિજયશ્રી ખાનગી યુનિવર્સિટીમાં આયુર્વેદિક એમડીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

વડોદરા નજીક ખટંબાની અનંતા શુભ-લાભ સોસાયટીમાં રહેતી 25 વર્ષની વિજયશ્રી રવિભૂષણ ચૌહાણ સવારમાં બેભાન હાલતમાં મળી આવી હતી. મૂળ હિમાચલ પ્રદેશની રહેવાસી વિજયશ્રી ખાનગી યુનિવર્સિટીમાં આયુર્વેદિક એમડીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

વિજયશ્રી સાથે રહેતી બે સહપાઠી યુવતીઓએ જણાવ્યું કે, રોજની જેમ સવારે કોલેજ જવાના સમય પહેલાં તેઓએ તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે પ્રતિસાદ આપતી ન હતી. જેથી તરત જ 108 એમ્બ્યુલન્સ બોલાવીને તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી. જોકે તબીબોએ તપાસ બાદ વિજયશ્રીને મૃત જાહેર કરી હતી.

પ્રાથમિક તબીબી તપાસ મુજબ, યુવતીનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોવાનું સામે આવ્યું છે. વરણામા પોલીસને ઘટનાની જાણ કર્યા બાદ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો છે જેથી મોતનું સાચું કારણ જાણી શકાય.

મૃતક વિજયશ્રીના પરિવારજનોને ઘટનાની જાણ થતાં તેઓ વડોદરા દોડી આવ્યા હતા. યુવતીના અચાનક મોતથી સહપાઠી, મિત્રો અને શિક્ષકોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

(4:02 PM IST)