<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

દક્ષિણ, પૂર્વ અને મધ્‍ય ગુજરાતમાં અવીરત મેઘવર્ષાઃ ઉમરપાડા ૫-છોટાઉદેપુર ૩.૫-બોડેલીમાં ૩ ઇંચ વરસાદ

રાજ્‍યમાં સીઝન નો કુલ સરેરાશ વરસાદ ૬૨.૪૪% નોંધાયોઃ ઉકાઇ ડેમની જળસપાટી સતત વધીને ૩૨૮ ફૂટે પહોચતા તંત્ર સજ્જ મધુવન ડેમના ૪ દરવાજા ખુલ્‍લા

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ મેઘરાજા હજુ પણ દક્ષિણ, પૂર્વ અને મધ્‍ય ગુજરાત પંથકમાં અનરાધાર વરસી રહ્યા છે, નવા પાણીની આવકને પગલે બંધો અને જળાશયોની જળ સપાટી સતત વધી રહી છે જેને પગલે વહીવટી તંત્ર સજ્જ બન્‍યું છે.

રાજ્‍યમાં છેલ્‍લા ૨૪ કલાકમાં ૨૯ જીલ્‍લાના ૧૪૫ તાલુકાઓમાં ૧ મીમી થી લઈ ૧૨૫ મીમી સુધી નો વરસાદ નોંધાયો છે જેમાં ઉમરપાડા ૧૨૫ મીમી, છોટાઉદેપુર ૮૨ મીમી,અને બોડેલી ૭૫ મીમી નોંધાયેલ છે.

આ સાથે આજે સવારે ૬ વાગ્‍યા સુધીમાં રાજ્‍યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ ૬૨.૪૪ ઇંચ નોંધાયો છે જેમાં કરછ ૬૪.૧૬%, ઉત્તર ગુજરાત ૬૫.૧૭%, પૂર્વ અને મધ્‍ય ગુજરાતમાં ૬૪.૬૦ %, સૌરાષ્ટ્રમાં ૫૫.૦૧% અને દક્ષિણ ગુજરાત પંથકમાં ૬૫.૭૦% વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદ અને ઉપરવાસના પાણીની આવકને પગલે બંધોની જળસપાટી સતત વધી રહી છે જેમાં દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમની જળસપાટી સતત વધીને આજે સવારે ૮ કલાકે ૩૨૮.૦૦ ફૂટે પહોંચી છે, જેને પગલે વહીવટી તંત્ર સજ્જ બન્‍યું છે,ડેમમાં ૪૦,૧૩૭ ક્‍યુસેક પાણીની આવક થઈ રહી છે, તો દમણગંગા નદીના મધુવન ડેમ ની જળસપાટી આજે સવારે ૯ કલાકે ૭૧.૭૦ મીટર પહોંચી છે, ડેમમાં ૧૮૪૭૫ ક્‍યુસેક પાણી ના ઈન્‍ફલો સામે ૧૯૭૧૫ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ડેમના ૪ દરવાજા ૧.૩૦ મીટર હજુ પણ ખુલ્‍લા છે, ડેમ વિસ્‍તારમાં છેલ્‍લા ૨૪ કલાકમાં ૧૫૬.૮૦ મીમી વરસાદ નોંધાયો છે.

ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર રાજ્‍યમાં છેલ્‍લાં ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો ઉમરપાડા ૧૨૫ મીમી, છોટાઉદેપુર ૮૨ મીમી, બોડેલી ૭૬ મીમી, જાંબુઘોડા ૬૫ મીમી, જેતપુરપાવી અને સોનગઢ ૫૭ મીમી, ગરબાડા ૫૬ મીમી, ડોલવણ ૫૨ મીમી, સુરત સિટી ૫૦ મીમી, કામરેજ ૪૭ મીમી, પલસાણા ૪૬ મીમી, ધાનપુર અને વ્‍યારા ૪૪ મીમી, સુબીર અને બારડોલી ૪૧ મીમી, ગોધરા, વાલોડ તથા ડાંગ ંઆહવા ૪૦ મીમી વરસાદ નોંધાયો છે.   

જ્‍યારે માંગરોળ ૩૯ મીમી, પાદરા ૩૮ મીમી, નવસારી ૩૭ મીમી, વઘઇ ૩૪ મીમી, વાંસદા ૩૧ મીમી, આંકલાવ, ધરમપુર અને મહુવા ( સુરત ),૩૦ મીમી વરસાદ નોંધાયો છે આ ઉપરાંત રાજ્‍યના ૧૧૯ તાલુકાઓમાં ૧ થી ૨૯ મીમી વરસાદ નોંધાયો છે, આજે સવારથી મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં ભારે હેત વરસાવી રહ્યા છે.

(12:50 PM IST)