તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th July 2025
સુરતમાં RTOની નકલી રસીદો બનાવી વાહનો છોડાવવાના મોટા રેકેટમાં હવે મુખ્ય સૂત્રધાર સુનિલ શર્માને ઝડપી લેવાયો
કૌભાંડમાં છ મહિનાથી પોલીસને થાપ આપીને ફરાર રિક્ષાચાલક સુનિલ શર્માને આખરે સુરત પોલીસે ઝડપી પાડ્યો

સુરતઃ શહેરમાં RTOની નકલી રસીદો બનાવી વાહનો છોડાવવાના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડમાં છ મહિનાથી પોલીસને થાપ આપીને ફરાર રિક્ષાચાલક સુનિલ શર્માને આખરે સુરત પોલીસે ઝડપી પાડ્યો છે. આ કેસમાં અગાઉ પણ એક રિક્ષાચાલકની ધરપકડ થઈ ચૂકી છે અને હવે મુખ્ય સૂત્રધાર ઝડપાતા આ રેકેટના વધુ પાસાઓ ખૂલવાની શક્યતા છે.
નકલી રસીદો બનાવી વાહનો છોડાવવાનું કૌભાંડ આરોપી સુનિલ શર્મા અંગત ફાયદા અને ઝડપથી પૈસા કમાવવાની લાલચમાં RTO કચેરીના સિક્કાવાળી નકલી રસીદો બનાવતો હતો. આ નકલી રસીદોનો ઉપયોગ એવા લોકો કરતા હતા, જેમના વાહન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હોય. સરથાણાના ટ્રાફિક ગોડાઉનમાંથી આ નકલી રસીદોના આધારે ગેરકાયદેસર રીતે વાહનો છોડાવવામાં આવતા હતા.
આ કૌભાંડનો ભાંડો ફેબ્રુઆરી 2025માં ત્યારે ફૂટ્યો, જ્યારે એક યુવક રિક્ષા છોડાવવા માટે સરથાણા ટ્રાફિક ગોડાઉનમાં નકલી RTO રસીદ લઈને પહોંચ્યો હતો. ટ્રાફિક પોલીસને રસીદ પર શંકા જતાં તેમણે રસીદ પરનો QR કોડ સ્કેન કર્યો હતો. QR કોડ સ્કેન કરતાં જ સમગ્ર મામલો સામે આવ્યો હતો. કારણ કે તે રસીદ RTOના રેકોર્ડમાં નોંધાયેલી નહોતી અને સંપૂર્ણપણે નકલી હતી.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ગોડાઉનમાંથી આશરે એક વર્ષના સમયગાળાની 29 જેટલી નકલી RTO રસીદો શોધી કાઢી હતી. આ ગંભીર મામલે 6 મહિના પહેલા ટ્રાફિક પોલીસે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારથી આ કેસની તપાસ ચાલી રહી હતી.
આ મામલે અગાઉ પણ પોલીસે રિક્ષાચાલક ક્રિષ્ના કુશ્વાહની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, ક્રિષ્ના કુશ્વાહે સુનિલ પંડિત નામના યુવકને 6,000માં આ નકલી રસીદ બનાવી આપી હતી. સુનિલ પંડિતે આ રસીદનો ઉપયોગ કરીને રિક્ષાચાલક પાસેથી 1,500 રોકડા લીધા હતા અને વાહન છૂટ્યા બાદ બાકીના 4,500 લેવાનો હતો. પરંતુ, તે પહેલા જ આ કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો.
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
