<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

પાટણની સરસ્વતી નદી બે કાંઠે વહેતી: 400 ક્યૂસેક પાણી છોડવામાં આવતા સૂકી ભઠ્ઠ નદી જીવંત બની

સરસ્વતી નદીમાં નવા નિરથી ભૂગર્ભજળ સ્તર ઊંચા આવશે. જેનો લાભ સરસ્વતી નદી કાંઠા વિસ્તારના ગામ લોકો અને ખેડૂતોને થશે.

પાટણ: ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ઉમરદશી અને મોયણી નદીના પાણી પાટણના સરસ્વતી બેરેઝમાં ઠાલવવામાં આવી રહ્યું છે. 400 ક્યૂસેક પાણી છોડવામાં આવતા સૂકી ભઠ્ઠ નદી જીવંત બની છે. સરસ્વતી નદી બે કાંઠે વહેતી થતાં નદીનો નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. પાણીના સ્તર ઊંચા લાવવા માટે હાલ તો આ પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. ડેમની હાલની સપાટી 9 ફિટ છે. સરસ્વતી નદીમાં નવા નિરથી ભૂગર્ભજળ સ્તર ઊંચા આવશે. જેનો લાભ સરસ્વતી નદી કાંઠા વિસ્તારના ગામ લોકો અને ખેડૂતોને થશે. 
 
ચોમાસાની શરુઆતમાં જ મેઘરાજાએ તોફાની બેટીંગ કરતા ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે  પાટણ સિધ્ધપુર અને પાલનપુર પંથકમાં ભારે વરસાદ પડતા નદી નાળા તળાવમાં નવા પાણીની આવક થઈ છે. સિધ્ધપુર પંથકમાં 8 અને બનાસકાંઠાના વડગામ  પંથકમાં 10 ઇંચ વરસાદ ખાબકતા ચોતરફ પાણી પાણી થયું છે. જેને લઇ ઉમરદશી અને મોયણી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. આ બંને નદીના પાણી સરસ્વતી નદીમાં આવતા તે ખળખળ વહેતી બની છે. સુજલામ સુફલામ નહેરમાંથી સરસ્વતી નદીમાં પાણી નાખવામાં આવી રહ્યું છે જેને લઇ સરસ્વતી ડેમમાં 400 ક્યૂસેક પાણીની આવક થઈ છે.

ડેમની હાલની સપાટી F.R.L274 એટલે 9 ફીટ છે. પાણીના જળ સ્તર ઉંચા આવે તે માટે હાલ આ પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. પાણીનો આવરો વધશે તો આગામી સમયમાં આ પાણી નદીમાં છોડવામાં આવશે. સરસ્વતી બેરેજમાં વરસાદી નવા નીર આવતા નદીનો નયનરમ્ય નજારો નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો આવી રહ્યાં છે. તો બીજી તરફ આ પાણીથી જમીનના સ્તર ઊંચા આવશે જેનો સીધો લાભ ખેડૂતોને થશે. 

(10:24 PM IST)