તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th July 2025
કાશ્મીરી યુવકો સાથે અમદાવાદમાં હેવાનિયત, ધોકા લઈને બે યુવકો પર હુમલો કર્યો
કાશ્મીરી પરિવાર પર જીવલેણ હુમલોઃઈજાગ્રસ્ત યુવકે ઇસનપુર પોલીસ મથકે ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

અમદાવાદ,તા.૨૮
ઇસનપુરમાં અમીનાં બીબીની ચાલીમાં રહેતા કાશ્મીરી પરિવારના બે યુવકો પર ત્રણ લોકોએ હિચકારો હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સ્થાનિક યુવકે પરિવારની મહિલાને ગાળો ભાંડી બાદમાં તકરાર કરી અને આ કાશ્મીરીઓને અહીંયાથી કાઢો કહીને ત્રણ આરોપીએ બે કાશ્મીરી યુવક પર લાકડાના ડંડા વડે જીવલેણ હુમલો કર્યો હતો. યુવકે આ મામલે ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મૂળ જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના વતની મોહંમદ ઇકબાલ બશીર અહેમદ પઠાણ (ઉ.૩૨) હાલ ઇસનપુર માં આવેલ અમીના બીબીની ચાલીમાં તેના ભાઈ અને ભાભી સાથે રહે છે અને ડ્રાયફ્રુટનો વેપાર ધંધો કરીને રોજગારી મેળવે છે.
ગત ૨૭ જુલાઈના રોજ મોહંમદ ઇકબાલ અને તેના ભાઈ તથા ભાભી તેમના ઘરમાં હાજર હતા અને સાંજના સમયે ઇકબાલ બશીરના ભાભી તેના દીકરા માટે ડાયપર લેવા માટે ઘરમાંથી બહાર નીકળી ચાલીની નાકે આવેલી મેડીકલની દુકાને ગયા હતા.
આ સમયે ચાલીના નાકે ઉભેલો મુજ્જફર ઉસ્માન ખાન ત્યાં ઉભો હતો અને મહિલાને જોઈને ગાળો બોલવા લાગ્યો હતો. મહિલા ગભરાઈ ગઈ અને ઘરે આવીને તેના પતિ અને દિયરને આ અંગેની જાણ કરી હતી.
ત્યારબાદ દિયર મોહંમદ ઇકબાલ પઠાણ ઘરેથી નીચે ઉતર્યો ત્યારે આરોપી મુજ્જફર ઉસ્માન હાજર જોઇને ગાળો કેમ બોલ્યો કહેતા બંને વચ્ચે માથાકૂટ થઇ હતી. બુમાબુમ થતાં આસપાસના રહીશો એકઠા થઇ જતા મુજ્જફર ઉસ્માન નાસી ગયો અને થોડીવાર બાદ મુજ્જફર તેના ભાઈ મુનવ્વર ઉસ્માન ખાન અને તેનો ભાણિયો ત્રણેય ભેગા થઈને આવ્યો અને બૂમો મારવા લાગ્યા કે *કાશ્મીરીઓને અહીંયાથી ભગાડી મુકો* કહીને મોહંમદ ઇકબાલ બશીર અહેમદ પઠાણ અને તેના ભાઈને લાકડાના ડંડા વડે માર મારવા લાગ્યા હતા.
આ સમયે આસપાસના રહીશોના ટોળા એકઠા થઇ ગયા અને ઝઘડાનો મામલો થાળે પડાવ્યો હતો. ત્યારબાદ આ મામલે મોહંમદ ઇકબાલે ફરિયાદ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં મુજ્જફર ઉસ્માનખાન, મુનવ્વર ઉસ્માનખાન તથા તેના ભાણીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૃ કરી છે.
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
