<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

સુરતના ભુવાની કપટલીલા બંધ કરાવતુ વિજ્ઞાન જાથા

કોઇનું ઘર ભાંગે તેવી પ્રવૃત્તિ કેમ કરો છો? છાત્રાલય કયાં છે જેવા સવાલો ઉઠાવાતા ભુવા ભાંગી પડયા અને બધુ બંધ કરવા કબુલાત આપી

રાજકોટ : સુરતના ખોલવડ વિસ્‍તારમાં ઓપેરા પ્રિન્‍સમાં ઘરમાં માતાજીનો મઢ બનાવી છેલ્લા સાતેક વર્ષથી ધતિંગલીલા ચલાવતા ભુવા ગોપાલદાદા ઉર્ફે ઉમેશ કેશુભાઇ ઉસડની કપટલીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કામરેજ પોલીસની મદદથી ભાંડાફોડ કર્યો હતો. મહિલા સંસ્‍થા-છાત્રાલયના નામે દુઃખી મજબુર મહિલાઓનું શોષણ કરાતુ હોવાની વિગતો બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. માણાવદર તાલુકાના નાનડીયા ગામના વિપુલ ઉર્ફે વ્રજલાલ ગોવિંદ જસાણીએ તેમના સગા સંબંધીઓ સાથે રાજકોટ વિજ્ઞાન જાથા કાર્યાલયની મુલાકાત લઇ વિગતો વર્ણવી હતી. જેમાં તેમની પત્‍ની પૂનમને સુરતના ભુવા ભ્રમમાં નાખી ઘરમાં ઝઘડા કરાવતા હોવાની વિગતો આપી હતી. સુખી સંસારમાં ભુવાએ આગ લગાડી દીધાનો બળાપો વ્રજલાલ જસાણીએ ઠાલવ્‍યો હતો. જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ પરિસ્‍થિતિ પામી જઇ મહિલા કાર્યકર ભાનુબેન ગોહિલ, ભક્‍તિબેન રાજગોર, રવિ પરબતાણીને સુરત ખરાઇ કરવા મોકલ્‍યા હતા. બાદમાં સુરત ગ્રામ્‍ય જિલ્લા પોલીસ વડાનો સંપર્ક કરી કામરેજ પોલીસ સ્‍ટેશનની મદદ લીધી હતી. પો.ઇન્‍સ. એ. ડી. ચાવડાની દેખરેખ હેઠળ હેડ કોન્‍સ. જયેશભાઇ હરજીભાઇ, એ.એસ.આઇ. મોહીનીબેન રમણીકભાઇ, કોન્‍સ. પરતભાઇ અભુભાઇ, ઘનશ્‍યામભાઇ અરવિંદભાઇ, એ.એસ.આઇ. બ્રિજેશભાઇ નરેશભાઇ સહીતના સ્‍ટાફને સાથે લઇ જાથાની ટીમ ભુવાના ફલેટ પર પહોંચી હતી. જયાં ભુવા હાજર ન હોય પોલીસ સ્‍ટેશને આવી જવા સુચના પહોંચાડવામાં આવી હતી. જાથાએ પુછપરછમાં પુનમબેનનો ખર્ચ તમે કેમ આપો છો? વડોદરા લીવીંગ સર્ટી લેવા તમારી હાજરી કેમ? મહીલા છાત્રાલય કયાં છે? વગેરે સવાલો ઉઠાવતા ભુવા ભાંગી પડયા હતા. પોતાની ભુલ સ્‍વીકારી માફી માંગી હવેથી આવુ બધું બંધ કરવાની કબુલાત આપી હતી. આમ વિજ્ઞાન જાથાનો આ ૧૨૭૨મો પર્દાફાશ સફળ રહ્યો હતો. તેમ જાથાના ચેરમેન જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯)ની યાદીમાં જણાવાયુ છે.

(4:43 PM IST)