તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th July 2025
દિલ્હી મુંબઈને જોડતા નેશનલ હાઇવે રોડ પર ગાંભોઈ નજીકનો પુલ જર્જરિત હાલતમાં: વાહનચાલકો સહિત રાહદારીઓ પરેશાન
ગાંભોઈ નજીક ચાર વર્ષ અગાઉ ફોરલેનમાંથી સિક્સલેન તૈયાર કરાયેલો પુલ જર્જરીત બન્યો : પુલની બંને સાઈડમાં આવેલી પ્રોટેક્શન દીવાલ સહિત પુલનો મોટાભાગનો હિસ્સો જર્જરિત

સાબરકાંઠાઃ દિલ્હી મુંબઈને જોડતા નેશનલ હાઈવે રોડ નંબર 48 પર ચાર વર્ષ અગાઉ બનાવાયેલો પુલ જર્જરિત બન્યો છે. નેશનલ હાઇવે રોડ પર ગાંભોઈ નજીકનો પુલ ચાર વર્ષમા જર્જરિત બ્રિજ બનતા રાહદારીઓ સહિત વાહનચાલકો ભય વચ્ચે પુલ પરથી પસાર થઈ રહ્યાં છે. નેશનલ હાઇવે ઓથોરિટી સહિત અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરાયા બાદ પુલની બંને તરફના સર્વિસ રોડ સહિત પુલની સાઇડોમાં રિફ્લેક્ટર મરાતા ગાંભોઈ નજીકનો પુલ અકસ્માતનો બ્રિજ બન્યો છે.
દિલ્હી મુંબઈને જોડતા નેશનલ હાઇવે રોડ નંબર 48 પરનો હાઇવે રોડ છેલ્લા પાંચ વર્ષથી ફોરલેનમાંથી સિક્સલેન હાઇવે રોડ બની રહ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપરના મોટાભાગના બ્રિજ જર્જરિત બન્યા છે. આ સાથે ગાંભોઈ નજીક ચાર વર્ષ અગાઉ ફોરલેનમાંથી સિક્સલેન તૈયાર કરાયેલો પુલ જર્જરીત બન્યો છે. પુલની બંને સાઈડમાં આવેલી પ્રોટેક્શન દીવાલ સહિત પુલનો મોટાભાગનો હિસ્સો જર્જરિત બન્યો હોવાની ફરિયાદો બાદ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સહિત કોન્ટ્રાક્ટર દ્વારા સ્થળ તપાસ કરી અસુરક્ષિત વિસ્તારમાં લોકોની સુરક્ષા સલામતીને ધ્યાને લઈ સર્વિસ રોડ તેમજ પુલની બંને સાઈડમાં રિફ્લેક્ટર મરાયા છે. જો કે, સ્થાનિકોની માગ છે કે, ચાર વર્ષના સમયગાળા દરમિયાન પુલ જર્જરિત બન્યો છે. પુલમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવતાની કામગીરી કરાઈ હોવાને પગલે ચાર વર્ષમાં કરોડોનો ખર્ચ પાણીમાં વેડફાયો છે.
સામાન્ય રીતે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ચિલોડાથી શામળાજી સુધીના માર્ગ પર મંથરગતિએ કામ ચાલતું હોવાની અનેક ફરિયાદો થઈ ચૂકી છે. તેમજ કોન્ટ્રાક્ટર અને હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહેલા નેશનલ હાઈવે રોડના કામોમાં મોટી લાપરવાહીને પગલે દિલ્હી-મુંબઈને જોડતા મુખ્ય નેશનલ હાઈવે રોડ પરથી પસાર થતાં હજારો વાહનચાલકો સહિત રાહદારીઓ સિક્સલેન હાઈવે પરથી પસાર થવામાં ભય અનુભવી રહ્યા છે.
આ સાથે હાઈવે રોડ પરના સર્વિસ રોડ અને પુલના નિર્માણ દરમિયાન કરાયેલા કામોમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્થાનિકો સહિત રાહદારીઓ માની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચાર વર્ષ અગાઉ બનાવાયેલો ગાંભોઈ નજીકનો પુલ અને ચિલોડા શામળાજી વરચેના મોટાભાગના પુલો પર ખાડારાજ હોવાને કારણે વાહનોને પણ ભારે નુકસાન થતું હોય છે. ખાડામાંથી પસાર થતા વાહનચાલકો તેમજ રાહદારીઓને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. જો કે, નેશનલ હાઈવે ઓથોરિટી સહિત ખાનગી કોન્ટ્રાક્ટરો સામે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તે મહત્વનું બની રહે છે.
તાજેતરમાં વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા જર્જરિત બ્રિજની સ્થળ તપાસ કરવામાં આવી રહી છે. હિંમતનગર નજીકના મોતીપુરા તેમજ સહકારી વિસ્તારમાં નવીન નિર્માણ કરવામાં આવેલા પુલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારે ગ્રામ્ય વિસ્તાર સહિત ગાંભોઈ, રાયગઢ, વિસ્તાર નજીકના પુલ ઉપર મસમોટા ખાડા પડ્યા હોવાને કારણે સ્થાનિક અધિકારીઓ સહિત તંત્ર મૌન સેવી રહ્યું છે.
શહેર નજીકથી પસાર થતા નવીન નિર્માણ પામેલો પુલ જર્જરિત હાલતમાં હોવાને કારણે વાહનચાલકો તેમજ મુખ્ય માર્ગની બાજુમાં આવેલી શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ જીવનું જોખમ અનુભવી રહ્યા છે. દિવસ દરમિયાન પુલની આસપાસ છૂટક મજૂરી તેમજ ધંધો-રોજગાર કરતા વેપારીઓ પણ ભય વચ્ચે વ્યવસાય કરી રહ્યા છે. ત્યારે ચારથી પાંચ વર્ષ અગાઉ નવનિર્માણ કરાયેલા પુલની સમિક્ષા બાદ જર્જરિત પુલના સમારકામની બદલે નવીનીકરણ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
જો કે, વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સાબરકાંઠા જિલ્લામાં મોટાભાગના પુલો જર્જરિત તેમજ ખાડારાજ બન્યા બાદપણ સ્થાનિક તંત્ર લાપરવાહી દાખવી રહ્યું છે. જો આવનારા દિવસોમાં જર્જરિત પુલો સહિત ખાડારાજ સામે કોઈપણ પ્રકારની ચોક્કસ કામગીરી અને નિર્ણયો ન લેવાયા તો વાહનચાલકો સહિત રાહદારીઓ માટે જીવનું જોખમ બની શકે છે.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
