<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th July 2025

સૌરાષ્ટ્ર સહિત ઉત્તર-મધ્ય-દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી : જળબંબાકાર :અનેક નદીઓમાં ઘોડાપૂર

નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ: રાજ્યના અનેક જળાશયો છલકાયા: આગામી 7 દિવસ રાજમાં ધોધમાર વરસાદની આગાહી

અમદાવાદ :હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતામાં હવે મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, ખેડા સહિત અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. રાજ્યના અનેક જળાશયો છલકાયા છે. હજુ આગામી 7 દિવસ રાજમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાંવરસાદી માહોલ છે. ત્યારે અમદાવાદમાં એસજી હાઈવે વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. પ્રહલાદનગર, ઈસ્કોન ચાર રસ્તા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.  અમદાવાદ શહેરના સેટેલાઈટ અને આનંદનગર રોડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં પણ વરસાદની શરુઆત થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં અસહ્ય ગરમી બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. અમદાવાદના એસ.જી. હાઇવે, વેજલપુર, ઇસ્કોન, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અનેક રસ્તાઓ પર લાંબી વાહનોની કતારો જોવા મળી રહી છે.  અમદાવાદના નરોડા, નિકોલ, ઓઢવ, બાપુનગર, ઠક્કરનગર સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળી વિસ્તારોમાં પાણી ભરાયા છે. 

વરસાદને પગલે ગ્રામીણ વિસ્તારમાં જીવન અસ્તવ્યસ્ત, બાઇવાડા ગામે પાણી ભરાતા લોકો મુશ્કેેલીમાં મુકાયા, ડાવસ ગામ રોડ પર નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ, ખેતરોમાં જવાના રસ્તા પર નદીઓ વહેતી થઇ, 50થી વધુ પરિવારોની અવર-જવર બંધ થઇ.

ભિલોડાની મેશ્વો નદી પ્રથમ વખત વહેતી થઇ, ભિલોડા-મોડાસાના ગામોને એલર્ટ કરાયા, નદીકાંઠાના 30 ગામોને એલર્ટ કરાયા, નદી કિનારે લોકોને ન જવા માટે અપીલ.

કલેસર, પથાવત, આમસરણ ગામમાં વરસાદ, રાસ્કા, હિરાપુર, રોહીસા, મહીજ ગામમાં વરસાદ, કનીજ, જીંજર, દાજીપુરા, મોદજ ગામમાં વરસાદ, સણસોલી, માંકવા, વાંઠવાડી, નેનપુરમાં વરસાદ, કાલેસરનું પથાવત ગામ પાણીમાં ગરકાવ.

ખેડા જિલ્લાના મહેમદાવાદમાં આજે સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સવારથી અત્યાર સુધીમાં સાત ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ધોધમાર વરસાદની સીધી અસર વાત્રક નદી પર જોવા મળી રહી છે. મહેમદાવાદ તાલુકો વાત્રક નદીના કિનારે આવેલો હોવાથી સામાન્ય રીતે વરસાદી પાણી નદીમાં વહી જાય છે. પરંતુ આજે ભારે વરસાદને કારણે વાત્રક નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યંત ભારે વરસાદને કારણે માત્ર નદી જ નહીં, પરંતુ શહેરમાં ઘણી જગ્યાએ ગટરોમાંથી પણ પાણી બહાર આવતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ખેડા વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

અમદાવાદના ધોળકા પાસે આવેલ જલાલપુર ગામ નજીકથી પસાર થતી નર્મદા નહેરમાં ગાબડુ પડ્યું છે. કેનાલમાં ગાબડુ પડતા નર્મદાના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં છે. સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે કે, નર્મદા કેનાલના અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. નર્મદા કેનાલમાં પાણીની કેપીસીટી કરતાં વધારે પાણી છોડી દેતા, કેનાલ ઓવરફ્લો થઈ અને ઉપર થઈને છલકાઈને પાણી જાય એટલું પાણી કેનાલમાં આવી જતા નર્મદા કેનાલમાં પડ્યું ગાબડુ. પાણી ખેતરોમાં ફરી વળતા અનેક ખેતરો બેટમાં ફેરવાયા. એક બાજુ મોડી રાત્રેથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને નર્મદા કેનાલમાં ગાબડું પડતા તેના પણ પાણી જલાલપુર ગામમાં ઘૂસી જાય તેવી સ્થિતિ સર્જાઈ.

ખેડાના કપડવંજના રાજપુર સિહોરા પાસે વાત્રક નદીના પાણી ફરી વળતા 10 ગામનો સંપર્ક તૂટ્યો છે. કપડવંજ તાલુકાના રાજપુર સિહોરા ગામ પાસે વાત્રક નદીમાં પાણીનું સ્તર વધવાને કારણે ગરનાળું સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ ગરનાળા પર પાણી ફરી વળતાં રસ્તો હાલ બંધ કરવામાં આવ્યો છે. રસ્તો બંધ થવાના કારણે લગભગ 10 જેટલા ગામોનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. જેમાં શિહોરા, અમિયાપુર, આંબલિયારા, તેનપૂર, અને રોઝડ જેવા ગામોનો સમાવેશ થાય છે. કપડવંજ વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને પાણીનું સ્તર ઘટતાં જ રસ્તો પુનઃ ચાલુ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અમદાવાદ શહેર પાણીમાં ગરકાવ થતા, વરસાદ ધીમો પડતા પાણી ના ઓસરતા, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન અને વોટર કમિટીના ચેરમેન એકાએક મ્યુનિસિપલ કંટ્રોલરૂમમાં પહોચ્યા હતા. જ્યા બન્નેએ શહેરભરમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાસ માટેની સૂચનાઓ આપી હતી. કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં અમદાવાદમાં પાણીનો નિકાલ અને સફાઈ અભિયાન અંગે પણ સૂચના આપવામાં આવી.

બનાસકાંઠા વરસેલા ભારે વરસાદને કારણે,  પાલનપુર અમદાવાદ સ્ટેટ હાઇવે પર 20 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થવા પામ્યો છે. છેલ્લા દસ કલાકથી પાલનપુર અમદાવાદ સ્ટેટ હાઇવે ટ્રાફિકજામ રહેતા છાપીના યુવાનોએ શરૂ કરી સેવા. વાહનોમાં ફસાયેલા લોકોને યુવાનો આપી રહ્યા છે પાણી. રાત્રે બે વાગ્યાથી એસ.ટી બસ અને વાહનો છાપી નજીક ટ્રાફિકમાં ફસાયા છે. છાપી હાઇવે પર કેડ સમા પાણી ભરાઈ જતા હાઇવે થયો બંધ. છેલ્લા 10 કલાકથી ટ્રાફિકજામ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

અમદાવાદના દાણીલીમડામાં ભરાયેલા વરસાદી પાણીમાં એક BRTS અને એક AMTS બસ અટવાઈ જવા પામી હતી. રોડ પર પાણી ભરાયેલ હોવા છતા, BRTS અને AMTS બસ પસાર થતાસ,  બંને બસો બંધ પડી જવા પામી હતી. બસની અંદર રહેલા મુસાફરોને બસની બહાર પાણીમાં  ઉતરવું પડ્યું હતું. બસ અટવાતા અને પાણીનો નિકાલ ના થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

ગુજરાતમાં વ્યાપક વરસાદની પરિસ્થિતિની જાત માહિતી મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓચિંતા આજે સવારે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલરૂમની મુલાકાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર, પાટણ અરવલ્લી ,અમદાવાદ , મહેસાણા ,બનાસકાંઠા સાબરકાંઠા ,અને ખેડાના જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી. જિલ્લા કલેકટરો પાસેથી તેમના જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલ સ્થિતિની માહિતી મેળવી હતી. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલએ તમામ જિલ્લા કલેકટરોને એલર્ટ મોડ પર રહીને, વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવા અને સમગ્ર વહીવટી તંત્રને સતર્ક રહી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સંપર્કમાં રહી જિલ્લાની સ્થિતિથી વાકેફ રાખવા સૂચના આપી હતી.

મહેસાણાના ખેરાલુ રેલવે અંડર પાસમાં પાણી ભરાઇ જતાં કાર ફસાઈ ગઈ હતી. ખેરાલુમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમા વરસાદી પાણી ભરાયા હતા. રેલવે અંડર પાસમાં કાર ફસાતા સાથનિકો મદદ માટે દોડી આવ્યા હતા. 

આજે 27મી જુલાઈને રવિવારના રોજ, સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીના આઠ કલાકમાં રાજ્યના 155 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ સમયગાળા દરમિયાન સૌથી વધુ વરસાદ અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાં સવા નવ ઈંચ વરસાદ નોંધાયો છે. ખેડાના મહેમદાવાદમા સાડા સાત ઈંચ, નડીયાદમાં સવા સાત ઈંચ,ખેડાના માતરમાં છ ઈંચ, કઠલાલમાં પોણા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. 155 તાલુકામાંથી 54 તાલુકામાં એક ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે, તેના કારણે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ચાર વરસાદી સિસ્ટમને કારણે  બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદમાં ભારે વરસાદની ચેતવણી એટલે કે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવાની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

(5:11 PM IST)