તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Saturday, 26th July 2025
નર્મદા જિલ્લામાં મનરેગા કૌભાંડમાં ડ્રોન કેમેરાથી ખુલી પોલ : શ્રમિકો ગેરહાજર છતાં મસ્ટરમાં હાજર !!
મનરેગા યોજના હેઠળના કામોની તપાસ માટે ગાંધીનગરથી ૪૫ લોકોની એક ટીમ નર્મદા જિલ્લામાં આવી: ગાંધીનગરથી કડક કાર્યવાહીના આદેશઃ કસૂરવારો પાસેથી સરકારી નાણાંની વસૂલાત થશે તેવા આદેશથી ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) યોજના હેઠળ ચાલી રહેલા કામોમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. ગાંધીનગર અધિક ગ્રામ વિકાસ કમિશનર દ્વારા કરવામાં આવેલા ડ્રોન મોનિટરિંગમાં કામના સ્થળો પર શ્રમિકોની ગેરહાજરી જોવા મળી છે, જ્યારે મસ્ટર રોલમાં તેમની હાજરી દર્શાવવામાં આવી હતી. આ ગંભીર બેદરકારી બાદ ગાંધીનગરથી નર્મદા ડીઆરડીએ કચેરીને કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારો પૈકી સાગબારા, નાંદોદ, ડેડિયાપાડા અને તિલકવાડા તાલુકામાં મનરેગા હેઠળ તળાવ ઊંડા કરવા, રોડ રસ્તા બનાવવા અને નાળા સહિતના વિકાસના કામો ચાલી રહ્યા છે. ગાંધીનગર અધિક ગ્રામ વિકાસ કમિશનર દ્વારા ડિસેમ્બર ૨૦૨૪ અને જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન આ કામોનું ડ્રોન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્વે દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. એક તરફ મસ્ટર રોલમાં શ્રમિકોની હાજરી બતાવવામાં આવી હતી, જ્યારે ડ્રોન ફૂટેજમાં કામના સ્થળે એક પણ શ્રમિક જોવા મળ્યો ન હતો. આ વિસંગતતાને કારણે ખોટી હાજરી બતાવીને સરકારી નાણાંનો દુરુપયોગ થતો હોવાનું સ્પષ્ટ જણાયું હતું.
આ કૌભાંડનો ભાંડો ફૂટતા ગાંધીનગર અધિક ગ્રામ વિકાસ કમિશનરે નર્મદા ડીઆરડીએ કચેરીને તાત્કાલિક પત્ર લખીને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. પત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, ચાલુ કામના સ્થળે કાર્યરત ન હોવા છતાં જે શ્રમિકોની હાજરી નોંધવામાં આવી હોય અથવા હાજરી નોંધી ચૂકવણું કરવામાં આવ્યું હોય, તેવા કિસ્સામાં ખોટા પુરાવા ઊભા કરીને ગેરરીતિ આચરનારાઓ સામે નિયમોનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત કસૂરવારો પાસેથી સરકારી નાણાંની રકમની વસૂલાત કરવા પણ સૂચના આપતા ભ્રતાત્કાલિકષ્ટાચારીઓ માં ફફડાટ જોવા મળ્યો હતો.
આ કૌભાંડને સામે આવ્યા બાદ હવે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર કેવી કાર્યવાહી કરે છે કે ભીનું સંકલે છે તે જોવું રહ્યું. મનરેગા યોજના હેઠળના કામોની તપાસ માટે ગાંધીનગરથી ૪૫ લોકોની એક ટીમ નર્મદા જિલ્લામાં આવી છે. ત્યારે શું નર્મદા જિલ્લા વહીવટીતંત્ર આ બાબતે યોગ્ય તપાસ કરી કસૂરવારોને સજા કરશે ? કે પછી આ મામલાને દબાવવાનો પ્રયાસ કરશે ? તે જોવું રહ્યું
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
