તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
સોમનાથ મહાદેવ મંદિર ખાતે કોરિડોરની કવાયત શરૂ : ક્લેક્ટર દ્વારા આસપાસના મકાન અને હોટલ માલિકો સાથે બેઠક યોજાઈ
વેરાવળ ખાતે યોજાયેલ બેઠકમાં 370થી વધુ સોમનાથ મંદિર નજીક રહેતા મકાન માલિકો અને હોટલ સંચાલકો સહિતના લોકો જોડાયા

ગીર સોમનાથ: સોમનાથ મહાદેવ મંદિર ખાતે કોરિડોરની કવાયત શરૂ થઈ છે. જેના કારણે અનેક મકાનો અને હોટલો પ્રભાવિત થવાની છે. ગઈકાલે ક્લેક્ટર દ્વારા આ મામલે સ્થાનિક લોકો સાથે બેઠક યોજવામાં હતી.
સોમનાથ મંદિર આસપાસના વિસ્તારોમાં રહેતા મકાન માલિકો અને હોટલ માલિકો સાથે બેઠક ગઈકાલે સાંજે વેરાવળ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં 370થી વધુ સોમનાથ મંદિર નજીક રહેતા મકાન માલિકો અને હોટલ સંચાલકો સહિતના લોકો જોડાયા હતા. જિલ્લા ક્લેક્ટર દ્વારા આ તમામ લોકોને એક ફોર્મ આપવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે જગ્યા અને બાંધકામની રકમ ભરીને આ ફોર્મ પરત કરવાનું.
આ સમગ્ર મામલે મેરામણભાઈ પંપાણીયા નામના મકાન માલિકે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, સોમનાથ મહાદેવ મંદિર ખાતે કોરિડોર બનવા જઈ રહ્યો છે તે સારી બાબત છે અને તેમાં સહકાર આપીએ છીએ, પરંતુ સોમનાથ મંદિર પાસે બની રહેલા આ કોરિડોર 25 હજાર મીટર જેટલી જગ્યામાં આકાર પામશે. જેના કારણે 400 આસપાસ મકાન અને 40 જેટલી હોટલો પ્રભાવિત થશે. જેથી કોરીડોરની સાઇઝ 12 હજાર મીટર આસપાસ રાખવામાં આવે. એટલું જ નહીં એમને યોગ્ય વળતર મળવું જોઈએ. ટ્રસ્ટ પાસે ઘણી જમીન છે અમને જગ્યા આપવામાં આવે અને 40 જેટલી હોટલો છે જેને પણ જગ્યા ફાળવવામાં આવે.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
