News of Thursday, 24th July 2025
અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં હાઈટેક પહેલ :સેવા કેમ્પમાં CCTV ફરજીયાત :સ્વચ્છતા સ્પર્ધા યોજાશે
સેવા કેમ્પો પરથી દિવસમાં બે વખત ભીનો કચરો એકત્ર કરીને તેનું પ્રોસેસિંગ કરી ખાતર બનાવવામાં આવશે. આ પહેલ દ્વારા ઓર્ગેનિક ફૂડ વેસ્ટનો નિકાલ કરાશે

ભાદરવી પૂનમનો મહામેળો આગામી 1થી 7 સપ્ટેમ્બર, 2025 દરમિયાન અંબાજી ખાતે યોજાશે. આ વખતે મેળામાં સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. સૌ પ્રથમવાર, સેવા કેમ્પો પરથી દિવસમાં બે વખત ભીનો કચરો એકત્ર કરીને તેનું પ્રોસેસિંગ કરી ખાતર બનાવવામાં આવશે. આ પહેલ દ્વારા ઓર્ગેનિક ફૂડ વેસ્ટનો નિકાલ કરાશે. મેળા દરમિયાન સફાઈ વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા માટે, અંબાજીથી પાલનપુર ધણીયાણા ચોકડી સુધી કચરાનું વહન કરવામાં આવશે. આ ઉપરાંત, સફાઈ ઝુંબેશ માટે 150 વધારાના ટ્રેકટરો અને પાંચ ઝોન દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવશે. આયોજનના ભાગરૂપે, અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સેવા કેમ્પોના આયોજકો સાથે એક બેઠક પણ યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે, આ વખતે અંબાજી મેળામાં સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. તેમણે કહ્યું કે પહેલીવાર, સેવા કેમ્પો પરથી દિવસમાં બે વાર ભીનો કચરો એકત્ર કરીને તેનું પ્રોસેસિંગ કરીને ખાતર બનાવવામાં આવશે. આનાથી ઓર્ગેનિક ફૂડ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ થશે. "સ્વચ્છતા એ જ સેવા" સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરવા પર ભાર મૂકવામાં આવશે. કચરાના નિકાલ માટે ટ્રેક્ટરની સંખ્યા વધારવામાં આવશે અને ફૂડ વેસ્ટ માટે પણ અલગ વ્યવસ્થા ઊભી કરાશે. યાત્રિકો માટે વિસામાની સંખ્યામાં વધારો કરવાની સાથે ટ્રાફિક વ્યવસ્થાનું પણ ખાસ આયોજન કરવામાં આવશે.
જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેએ ઉમેર્યું કે મેળા પહેલાં અંબાજી શહેરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે અને દરેક ટ્રેક્ટરમાં સફાઈ કર્મીઓ ફરજ બજાવશે. આ બેઠકમાં અંબાજીના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ મેળાના આયોજન અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ વખતે અંબાજી મેળામાં યાત્રિકોની સુવિધા માટે વધારાના વિસામા કેન્દ્રો ઊભા કરવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે, દરેક સેવા કેમ્પ પર CCTV કેમેરા લગાવવા ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, સ્વચ્છતા જાળવવા માટે સેવા કેમ્પોને પ્રોત્સાહિત કરવા સફાઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે અને શ્રેષ્ઠ કેમ્પને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
