તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
ગુજરાતમાં ભ્રષ્ટાચારના ખાડાએ ૯૫નો ભોગ લીધો
કરોડો રૃપિયાનું આંધણ, મળતિયા કોન્ટ્રાક્ટરોને લીલાલહેરઃકોન્ટ્રાકટરો અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત

અમદાવાદ,તા.૨૧
ચોમાસામાં વરસાદી પાણીમાં રસ્તા ધોવાયા છે. ઠેર ઠેર ખાડા પડતાં વરસાદે સરકારની પોલ ઉઘાડી પડી છે. ગુજરાતભરમાં સરકાર વિરુદ્ધ જાણે જનઆક્રોશ ભભૂક્યો છે કેમકે, ખાડા પણ જીવલેણ સાબિત ઠર્યા છે. પાટણમાં વરસાદી પાણીથી પડેલા ખાડામાં પટકાતાં એક સાઇકલ ચાલકનું મોત થયું છે. નેશનલ ક્રાઇમ રૅકર્ડ બ્યુરોના મતે, ગુજરાતમાં ખાડાના કારણે ૯૫થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. હવે સરકારને ખાડા પુરવાનું સુઝ્યું છે.
આ વખતે વરસાદને લીધે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા બિસ્માર બન્યા છે. ખાડા પડતાં વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. ખાડાવાળા રસ્તાઓએ જ માર્ગ મકાન વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પુરાવો છતો કર્યો છે. મળતિયા કોન્ટ્રાકટરો અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતને પગલે રસ્તાનું નબળુ બાંધકામ થઈ રહ્યું છે. ગાંધીનગરમાં એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓના આર્શીવાદથી ટેન્ડરોમાં મોટાપાયે ખાયકી થઈ રહી છે જેના કારણે રસ્તા એક જ વરસાદમાં ધોવાઈ રહ્યા છે. આ તરફ સરકારે જ મોટાઉપાડે જાહેરાત કરી હતી કે, શહેરોમાં રસ્તાના સમારકામ માટે રૃ. ૧૬૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે. કરોડો રૃપિયાના ખર્ચ પછીય આજેય શહેરોમાં રસ્તા ઉબડ-ખાબડ રહ્યા છે. પાટણમાં જૂનાગંજ બજાર નજીક એક સાયકલ ચાલક વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં ખાબક્યો હતો જેના કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ મુદ્દે ધારાસભ્ય કીરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને ગરીબ પરિવારને આર્થિક મદદ કરવા ગુહાર લગાવી છે.
વાસ્તવમાં વર્ષ ૨૦૨૨ના નેશનલ ક્રાઇમ રૅકર્ડ બ્યુરોના મતે, ખાડાથી થયેલા મૃત્યુ મામલે ગુજરાત દેશમાં પાંચમા ક્રમે છે. ગુજરાતમાં ખાડામાં પડવાથી ૭૫ પુરુષ અને ૨૧ મહિલાઓના મૃત્યુ થયા છે. ભારતમાં ખાડાને કારણે કુલ મળીને ૮૦૦થી વધુ લોકોના મોત થયા છે જેમાં રાજસ્થાન પ્રથમ નંબરે રહ્યું છે. આ રાજ્યમાં ખાડામાં પડવાથી ૧૨૪ લોકોના જીવ ગયા છે. મહારાષ્ટ્રમાં ૧૧૩ અને મઘ્યપ્રદેશમાં ૧૦૪ના મોત થયા છે.
આમ, અત્યાર સુધી ૧૮ હજારથી વધુ ખાડાઓને પૂરી રસ્તાનું સમારકામ કરાયું છે તેવું જણાવી ભાજપ સરકાર વાહવાહી મેળવવામાં વ્યસ્ત રહી છે. વાસ્તવમાં હજુય રસ્તાઓના કામોમાં ખૂબ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે જેના કારણે રસ્તાઓ બિસ્માર થયા છે.
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
