<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

મીની વિધાનસભા સમાન સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીની ભાજપે તૈયારી શરૂ કરી

૧૬ મહાનગરપાલિકા, ૩૪ જિલ્‍લા, ૨૧૪ તાલુકા તેમજ ૮૩થી વધુ પાલિકાની ડિસેમ્‍બર-જાન્‍યુઆરીમાં ચૂંટણીઓ : વર્તમાન ચૂંટાયેલા પ્રતિનિધિઓના પર્ફોર્મન્‍સ રિપોર્ટ તૈયાર કરવા સહિત પ્રમુખો, પ્રભારીઓના પ્રવાસ શરૂ કરાયા

અમદાવાદ,તા.૨૧: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના ત્રણ વર્ષ બાદ મીની વિધાનસભા સમાન ગણાતી સૌથી મહત્‍વની એવી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીની તૈયારીઓ રાજ્‍ય ચૂંટણી પંચે તો શરૂ કરી છે. તેની સાથોસાથ શાસક પક્ષ ભાજપ દ્વારા પણ પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

પ્રદેશ ભાજપને નવા પ્રમુખ ક્‍યારે મળશે એની રાહ જોવાને બદલે વર્તમાન પ્રમુખ સી.આર. પાટીલની અગાઉ આપેલી રણનીતિને આગળ વધારી પ્રદેશ મહામંત્રીઓ દ્વારા દરેક જિલ્‍લા એકમોને કામગીરી શરૂ કરી દેવાની સૂચના આપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્‍યું છે. આગામી ડિસેમ્‍બર કે જાન્‍યુઆરીમાં નવ રચિત નવ મહાનગરપાલિકા તેમજ અગાઉની અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર તથા જુનાગઢ મહાનગરપાલિકા, નવ રચિત બનાસકાંઠા તેમજ ખેડા અને આણંદ જિલ્‍લા મળી કુલ ૩૪ જિલ્‍લા, ૨૨૦ જેટલી તાલુકા પંચાયતો તથા ૮૫ જેટલી નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે. આ માટે લગભગ ૧૦૦૦૦થી વધુ જનપ્રતિનિધિઓ પસંદ કરવામાં આવશે.

શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરતા ભાજપ સરકારે નગરોમાં વધતી વસતિને અનુલક્ષીને આણંદ, નડિયાદ, સુરેન્‍દ્રનગર, પોરબંદર, ગાંધીધામ, મહેસાણા, વાપી, મોરબી,નવસારીએમ નવી નવ મહાનગરપાલિકાની રચના કરી છે. આ નવ મહાનગરપાલિકામાં ઓગસ્‍ટ સુધીમાં ઓબીસી અનામત સાથેની નવી વોર્ડ રચના જાહેર થયા પછી ચૂંટણી પંચ સપ્‍ટેમ્‍બર સુધીમાં આખરી જાહેરનામું બહાર પાડી શકે છે. આ સાથે જ પંચ ચૂંટણી માટેની આગળની કાર્યવાહી શરૂ કરશે. બીજી તરફ ૨૦૨૧માં કોરોનાકાળ દરમિયાન યોજાયેલી આ મીની વિધાનસભા સમાન ગુણાતી ચૂંટણીઓમાં ભાજપે અભૂતપૂર્વ જીત હાંસલ કરી હતી. આપર્ફોર્મન્‍સ જાળવવા માટે અત્‍યારથી સંગઠનને સક્રિય કરી દેવામાં આવ્‍યું છે.

અમદાવાદ મહાનગરના પ્રમુખ પ્રેરક શાહે તમામ વોર્ડ સ્‍તર સુધીના પ્રવાસ શરૂ કર્યા છે. વોર્ડના અગ્રણી કાર્યકરો, પૂર્વ હોદ્દેદારો અને જનપ્રતિનિધિઓ, ધારાસભ્‍યો, સાંસદો, મહાનગરપાલિકાની વિવિધ કમિટીઓના ચેરમેન, ડેપ્‍યુટી ચેરમેન, પ્રદેશના આગેવાનો, હોદ્દેદારો, વોર્ડ પ્રમુખ અને ટીમને વ્‍યક્‍તિગત મળી તેમની સાથે સંવાદ શરૂ કર્યો છે. બીજી તરફ વર્તમાન કોર્પોરેટરોના પોતાના વિસ્‍તારના કામો અને એમની કામગીરી પર પણ સંગઠન દ્વારા અહેવાલ તૈયાર થઈ રહ્યો હોવાનું જાણવા મળ્‍યું છે. આ જ રીતે રાજ્‍યના અન્‍ય જિલ્‍લાઓમાં નવા વરાયેલા પ્રમુખ અને હોદેદારો દ્વારા પણ આ જ પ્રમાણેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

તાજેતરમાં યોજાયેલી કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપને કડી બેઠક જાળવી રાખવામાં સફળતા મળી હતી. પરંતુ વિસાવદર બેઠક પર આમઆદમી પાર્ટીની જીત થયા પછી હવે ફરીથી આપ સૌરાષ્ટ્રમાં જોર જમાવી શકે એવી શક્‍યતા વધારે છે એ સંજોગોમાં ભાજપ માટે હવે ઉમેદવારોની પસંદગીથી માંડીને દરેક સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓ માટે અત્‍યારથી ભારે મહેનત કરવી પડે એમ છે.

(10:59 AM IST)