<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th July 2025

ડાકોરના જગવિખ્યાત રણછોડરાયજી મંદિરમાં ભવ્ય હિંડોળા ઉત્સવનીધામધૂમપૂર્વક ઉજવણી

ભક્તોએ ભક્તિભાવપૂર્વક ભગવાનને હિંડોળે ઝુલાવી ધન્યતા અનુભવી

ડાકોરના જગવિખ્યાત રણછોડરાયજી મંદિરમાં અષાઢ વદ બીજથી ભવ્ય હિંડોળા ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે. એક મહિના સુધી ચાલનારો આ પવિત્ર ઉત્સવ વૈષ્ણવ સંપ્રદાય માટે અત્યંત મહત્ત્વનો છે, જ્યાં ભક્તો ભક્તિભાવપૂર્વક ભગવાનને હિંડોળે ઝુલાવી ધન્યતા અનુભવે છે.

ચાતુર્માસના આરંભથી લઈ શ્રાવણ માસ દરમિયાન ભગવાન રણછોડરાયજીને દરરોજ વિવિધ પ્રકારના હિંડોળામાં બિરાજમાન કરવામાં આવે છે. મંદિરમાં દરરોજ તૈયાર થતા હિંડોળા ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. આ હિંડોળા ફૂલોથી સજાવેલા હોય છે, ઉપરાંત નાગરવેલના પાન, સૂકા મેવાં, શાકભાજી અને ફળો દ્વારા કલાત્મક રીતે શોભિત કરવામાં આવે છે. દરેક દિવસનો હિંડોળો એક નવી રચના અને ઊંડા ભક્તિભાવનું પ્રતિબિંબ હોય છે, જે ભક્તોને આધ્યાત્મિક આનંદ આપે છે.

હિંડોળા ઉત્સવ દરમિયાન અખંડ હરિકીર્તન સાથે મંદિરમાં ભક્તિમય વાતાવરણ સર્જાય છે. મંદિરમાં અવસરાનુકૂળ ધાર્મિક કાર્યક્રમો અને સંગીતમય ભજન સતત ચાલતા રહે છે.

આ ઉત્સવની પાછળ એક મહત્ત્વપૂર્ણ ધાર્મિક કથા સંકળાયેલી છે. વ્રજભૂમિમાં શ્રીકૃષ્ણ ભગવાને વર્ષાઋતુ દરમિયાન ગોપીઓ અને રાધાજી સાથે જે લીલાઓ કરી હતી, તે જ સ્મૃતિ રૂપે આ હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવે છે. આ રીતે સંપ્રદાયમાં શ્રીકૃષ્ણના લીલાપ્રસંગો જીવંત રહે છે અને ભક્તોમાં શ્રદ્ધા સતત દૃઢ થતી જાય છે.

હિંડોળા ઉત્સવ દરમિયાન દરરોજ હજારો ભક્તો ભગવાન રણછોડરાયજીના દર્શનાર્થે ડાકોર આવે છે. રણછોડરાયજીના દર્શન અને હિંડોળાનું વૈભવમય દૃશ્ય ભક્તોને એક દિવ્ય અનુભૂતિ કરાવે છે.

(1:03 AM IST)