<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

મેડિકલમાં પ્રવેશ માટે શ્રેષ્ઠ તક, NEETમાં ૩૫૦ માર્કસ સુધી ‘કટ ઓફ' નીચું જવાની શક્‍યતા

રાજ્‍યની મેડિકલ-ડેન્‍ટલ કોલેજોમાં પ્રવેશ માટે પીન વિતરણની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી : - નીટનું પરિણામ અઘરું આવવાના કારણે ૨૧ હજાર વિદ્યાર્થીઓ ઓછા પાસ થયા, રાજ્‍યમાં પણ ૭ હજાર વિદ્યાર્થીઓ ઘટ્‍યા - નીટમાં ૭૨૦માંથી ૭૨૦ માર્કસ એકપણ વિદ્યાર્થીને મળ્‍યા નથી, પ્રથમ આવનાર વિદ્યાર્થી ૬૮૬ માર્કસ

 

અમદાવાદ,તા.૧૯: રાજ્‍યની મેડિકલ-ડેન્‍ટલ કોલેજોમાં પ્રવેશ માટે પીન વિતરણની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. NEET આધારિત ચાર કોર્સની ૧૬૨૪૬ બેઠકો માટે ૨૪૭૪૩ વિદ્યાર્થીઓએ રજિસ્‍ટ્રેશન માટે પીન ખરીદી છે. ચાલુવર્ષે નીટના અઘરા પરિણામના કારણે ગતવર્ષ કરતાં અંદાજે ૨૧ હજાર વિદ્યાર્થીઓ ઓછા પાસ થતાં કટ ઓફ ૫૦થી ૭૦ માર્કસ નીચુ જાય તેવી શકયતાં છે. બીજીબાજુ ચાલુવર્ષે મેડિકલ કોલેજોની ૬૯૫૮ બેઠકમાં પણ ઘટાડો થાય તેવી શકયતાં છે. આમ, મેડિકલમાં પ્રવેશ માટે ચાલુવર્ષે વિદ્યાર્થીઓ માટે નીટમાં માત્ર ૩૫૦ માર્કસ કે ઓછા માર્કસ હોય તો પણ મેડિકલ કોલેજમાં પ્રવેશની આશા ઉભી થઇ  છે.

મેડિકલમાં પ્રવેશ માટે લેવાયેલી નીટનું પરિણામ જાહેર થયા બાદ ૫મીથી ૧૮મી સુધી ઓનલાઇન રજિસ્‍ટ્રેશન માટે પીન વિતરણની જાહેરાત કરવામાં આવી હતી. જે પ્રમાણે આજે પીન વિતરણની મુદત પુરી થઇ ચુકી છે. કુલ ૨૪૮૪૩ વિદ્યાર્થીઓએ પીન ખરીદી છે. આગામી ૨૧મી સુધી વેરિફિકેશન કરવાની મુદત આપવામાં આવી છે. રાજ્‍યમાંથી કુલ ૮૬૪૧૦ વિદ્યાર્થીઓ નીટ આપી હતી જે પૈકી અંદાજે ૫૦ હજાર વિદ્યાર્થીઓ નીટમાં કવોલિફાય થયા છે. સૌથી મહત્‍વની વાત એ કે, ગતવર્ષે બી.જે.મેડિકલમાં પહેલા ક્રમે પ્રવેશ લેનારા વિદ્યાર્થીને ૭૨૦માંથી ૭૨૦  માર્કસ હતા, જેની સામે આજ કોલેજમાં છેલ્‍લો પ્રવેશ લેનારા વિદ્યાર્થીને ૬૯૯ માર્કસ હતા. એટલે કે ૭૨૦થી ૬૯૯ સુધીમાં બી.જે.મેડિકલની તમામ બેઠકો ફુલ થઇ ચુકી હતી. જેની સામે ચાલુવર્ષે નીટમાં પહેલા ક્રમે આવનારા વિદ્યાર્થીને ૬૮૬ માર્કસ છે. એટલે કે બી.જે.મેડિકલ કોલેજની જ ગણતરી કરવામાં આવે તો ૬૮૬થી પહેલો પ્રવેશ શરૂ થશે તો અંદાજે ૫૦થી ૭૦ માર્કસ મેરિટ નીચુ જશે તે નક્કી છે. આ ઉપરાંત ચાલુવર્ષે એકપણ વિદ્યાર્થી ૭૨૦માંથી ૭૨૦ માર્કસ લાવી શકયા નથી. ગતવર્ષે જેટલા માર્કસ સાથે બી.જે.મેડિકલમાં પ્રવેશ શકય નહોતો તે તમામ વિદ્યાર્થીઓ તેના કરતાં ઓછા માર્કસ હોવાછતાં બી.જે. મેડિકલમાં પ્રવેશ માટે લાયક બનશે તે નક્કી છે.

 બી.જે.મેડિકલની જેમ અન્‍ય મેડિકલ કોલેજોમાં કોલેજોમાં પણ ૫૦થી ૭૦ માર્કસ મેરિટ નીચુ જવાના કારણે ૩૫૦ સુધી માર્કસ ધરાવતાં વિદ્યાર્થીઓ પણ મેડિકલ અને ડેન્‍ટલમાં પ્રવેશ માટે લાયક બનશે તેવું તજજ્ઞો માને છે.

નેશનલ મેડિકલ કમીશન દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી તપાસ બાદ દેશની જુદી જુદી મેડિકલ કોલેજોની અંદાજે ૬ હજારથી વધારે બેઠકો રદ કરી દેવામાં આવી છે. ગુજરાતમાંથી પણ કલોલની મેડિકલ કોલેજમાં ૧૫૦ બેઠકો પર ચાલુવર્ષે પ્રવેશ ફાળવણી કરવામાં આવશે નહી. આજ રીતે પ્રક્રિયા શરૂ થાય તે દરમિયાન હજુ કેટલીક મેડિકલની બેઠકો ઓછી થાય તેવી પણ શકયતાં છે.

નીટનું પરિણામ અઘરુ આવવાના કારણે ગતવર્ષ કરતાં ૨૧ હજાર ઓછા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ ઉપરાંત ૭૨૦માંથી ૭૨૦ માર્કસ એકપણ વિદ્યાર્થીને આવ્‍યા નથી. મેડિકલ પ્રવેશ સમિતિના તજજ્ઞો કહે છે કે, સામાન્‍ય રીતે મેડિકલમાં પ્રવેશ માટે ૪૫૦થી વધારે માર્કસ હોય તે જરૂરી છે. પરંતુ ચાલુવર્ષની પરિસ્‍થિતિ જોતાં નીટમાં ૩૦૦થી ૩૫૦ માર્કસ ધરાવતાં વિદ્યાર્થીઓ પણ નીટમાં પ્રવેશ માટેની આશા રાખી શકશે અને કદાચ પ્રવેશ મળી પણ જશે.(૪૦.૬)

કેટલી બેઠકો માટે કાર્યવાહી

કોર્સ            કોલેજ     બેઠકો

મેડિકલ         ૪૦       ૬૯૫૮

ડેન્‍ટલ          ૧૩        ૧૨૫૫

આયુર્વેદ        ૪૪       ૩૪૭૩

હોમિયોપેથી     ૪૮     ૪૫૬૦

 

 

 

 

(9:55 AM IST)