<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

‘અટલ લેક્‍ચર સિરીઝ'નો ગાંધીનગરથી શુભારંભઃ સુશાસન અને રાષ્‍ટ્રપ્રથમની ભાવનાને મળશે બળ

સ્‍પીપા, ગાંધીનગર દ્વારા ‘ધ સેક્રેટ્રીએટ'ના સહયોગથી પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦મી જન્‍મજયંતિ નિમિત્તે

રાજકોટ, તા. ૧૮: વડાપ્રધાનના આર્થિક સલાહકાર સમિતિના સભ્‍ય ડો. સૌમ્‍ય કાંતિ ઘોષ અને રાજ્‍યના મુખ્‍ય સચિવ શ્રી પંકજ જોષીએ ગાંધીનગરમાં ‘અટલ લેક્‍ચર સિરીઝ'નો શુભારંભ કરાવ્‍યો. પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦મી જન્‍મજયંતિ નિમિત્તે આયોજિત આ શ્રેણી ગુડ ગવર્નન્‍સ અને રાષ્‍ટ્ર પ્રથમની ભાવનાને વધુ બળ આપશે. મુખ્‍ય સચિવ શ્રી જોષીએ જણાવ્‍યું કે આ શ્રેણી અટલજીના દ્રષ્ટિકોણને ઊંડાણપૂર્વક સમજવામાં મદદરૂપ થશે, જ્‍યારે ડો. ઘોષે અટલજીના શાસનમાં ભારતીય અર્થતંત્ર અને પ્રશાસકીય સુધારાઓમાં તેમના યોગદાનની વિગતવાર માહિતી આપી હતી.

સ્‍પીપા, ગાંધીનગર દ્વારા ‘ધ સેક્રેટ્રીએટ'ના સહયોગથી પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦મી જન્‍મજયંતિ નિમિત્તે ‘અટલ લેકચર સિરીઝ'નું શુભારંભ વડાપ્રધાનશ્રીના આર્થિક સલાહકાર સમિતિના સભ્‍ય ડો. સૌમ્‍ય કાંતિ ઘોષ અને રાજ્‍યના મુખ્‍ય સચિવ શ્રી પંકજ જોશી દ્વારા કરવામાં આવ્‍યું. આ શ્રેણીનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય સુશાસન (ગુડ ગવર્નન્‍સ)ને પ્રોત્‍સાહન આપવાનો છે.

આ પ્રસંગે રાજ્‍યના મુખ્‍ય સચિવ શ્રી પંકજ જોષીએ જણાવ્‍યું કે, પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦મી જન્‍મજયંતિ નિમિત્તે રાજ્‍ય સરકારે વર્ષ ૨૦૨૫-૨૬માં સ્‍પીપા દ્વારા દેશ અને રાજ્‍યની પ્રતિષ્ઠિત સંસ્‍થાઓ સાથે મળીને ‘અટલ સંસ્‍કાર વ્‍યાખ્‍યાન શ્રેણી'નું આયોજન કરવાનું નક્કી કર્યું હતું. આ શ્રેણીમાં દેશ અને રાજ્‍યભરના વિવિધ વિષયના નિષ્‍ણાતો ગુડ-ગવર્નન્‍સ અને દેશની નીતિઓને લગતા મુદ્દાઓ પર વ્‍યાખ્‍યાન આપશે. ‘અટલ લેક્‍ચર સિરીઝ'નો પહેલો વ્‍યાખ્‍યાન સ્‍પીપા, ગાંધીનગર ખાતેથી શરૂ કરવામાં આવ્‍યો છે.

શ્રી જોષીએ વધુમાં ઉમેર્યું કે, ‘અટલ લેક્‍ચર સિરીઝ' એ પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્‍મજયંતિની માત્ર એક વર્ષગાંઠની ઉજવણી નથી, પરંતુ એક એવા જીવનની ઉજવણી છે જે સંપૂર્ણ રીતે રાષ્‍ટ્રસેવામાં સમર્પિત રહ્યું. અટલજીના ગુડ-ગવર્નન્‍સના પરિણામે આજે ભારતભરમાં ૨૫ ડિસેમ્‍બરે ‘સુશાસન દિન'ની ઉજવણી કરવામાં આવે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ લેક્‍ચર સિરીઝ અટલજીના વિચારો અને મૂલ્‍યોને માત્ર સ્‍મરણ કરવાનું સાધન નથી, પરંતુ દેશના વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકોને પ્રેરિત કરતી એક નવી દિશા છે. અટલજીના જીવનમાં લોકશાહી, વિકાસ અને વિદેશ નીતિ જેવા મુદ્દાઓ ખૂબ મહત્‍વના રહ્યા છે અને આ મંચ આ તમામ વિષયો પર ચર્ચા અને વિચારમંથન કરવા માટે એક મહત્‍વપૂર્ણ અવસર છે.

આ પ્રસંગે વડાપ્રધાનશ્રીના આર્થિક સલાહકાર પરિષદના સભ્‍ય તેમજ સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાના ગ્રુપના મુખ્‍ય આર્થિક સલાહકાર ડો. સૌમ્‍ય કાંતિ ઘોષે ભારતીય અર્થતંત્ર તથા પ્રશાસકીય સુધારામાં શ્રી વાજપેયીજીના યોગદાનને યાદ કર્યું. તેમણે અટલ બિહારી વાજપેયીજીના સમયના ભારત અને તેમના દ્વારા ઘડવામાં આવેલી વિવિધ નીતિઓ વિશે વિસ્‍તળત માહિતી આપતા જણાવ્‍યું કે અટલજીનું જીવન દેશને સુશાસન તરફ જોડતી અમૂલ્‍ય કડી છે. તેમણે બેંકિંગ ક્ષેત્રના સુધારા, ટેલિકોમ ઉદ્યોગમાં ક્રાંતિ, પાવર ક્ષેત્રના સુધારા, ખાનગીકરણ, વીમા ક્ષેત્રની વળદ્ધિ, પેન્‍શન અને પરિવહન ક્ષેત્રે વળદ્ધિ, દેશની  મૂડી-ખર્ચ, રાજકોષીય નીતિ, ‘ઓપરેશન શક્‍તિ' જેવા વિવિધ વિષયો પર પ્રકાશ પાડી આંકડાકીય માહિતી સાથે દેશના વિકાસ વિશે જણાવ્‍યું.

ડો. ઘોષે વિકસિત ભારતમાં ટકાઉ કળષિ બજારના અમૂલ્‍ય યોગદાન વિશે પણ સૌને માહિતગાર કર્યા.

ગુજરાત સરકાર ભારતરત્‍ન સ્‍વ. અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦મી જન્‍મજયંતિ નિમિત્તે સમગ્ર વર્ષ દરમિયાન ગુડ ગવર્નન્‍સ સંબંધિત વિષયો પર ‘અટલ વ્‍યાખ્‍યાનમાળા'નું આયોજન કરી રહી છે. આ વ્‍યાખ્‍યાનમાળાનું પ્રથમ વ્‍યાખ્‍યાન સ્‍પીપા કેમ્‍પસ, ગાંધીનગર ખાતે તા. ૧૬ જુલાઈના રોજ આયોજન કરવામાં આવ્‍યું હતું.

ડો. ઘોષે ભારતમાં મુખ્‍ય આર્થિક નીતિઓને આકાર આપવામાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેમાં ભારતમાં ઔપચારિક અને અનૌપચારિક બંને પ્રકારના પગારપત્રક ડેટા એકત્રિત કરવાનો પણ સમાવેશ થાય છે, જેના પરિણામે ઇપીએફઓ અને ઈએસઆઈસી દ્વારા માસિક પગારપત્રક ડેટા બહાર પાડવામાં આવ્‍યો. કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન ખેડૂતો માટે પીએમ-કિસાન યોજના અને એમ એસ એમ ઈ તેમજ ઇમરજન્‍સી ક્રેડિટ લાઇન ગેરંટી યોજના (ઈ સી એલ જી એસ)ને આકાર આપવામાં પણ શ્રી ઘોષનું મહત્‍વનું યોગદાન રહ્યું છે.

આ પ્રસંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્‍ય સચિવ શ્રી જયંતિ રવિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના અધિક મુખ્‍ય સચિવ શ્રી એસ.જે. હૈદર સહિત વિવિધ વિભાગના અધિક મુખ્‍ય સચિવશ્રી, સચિવશ્રી, વડાઓ તેમજ મોટી સંખ્‍યામાં અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

અટલજીના શાસનની આર્થિક અને વહીવટી અસરઃ ડો. સૌમ્‍ય કાંતિ ઘોષે યાદ કરી સિદ્ધિઓ યુવાનો અને નાગરિકો માટે પ્રેરણાદાયક ‘અટલ લેક્‍ચર સિરીઝ': સુશાસનનો માર્ગ મોકળો કરશે.

(11:48 AM IST)