તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th July 2025
ગુજરાત કોંગ્રેસનું સુકાન ફરી અમિત ચાવડાના હાથમાં સોંપાયું :વિપક્ષ નેતા તરીકે ડો.તુષાર ચૌધરીની વરણી
રાજ્યમાં વિવિધ પ્રશ્નોમાં તેમના નેતૃત્વમાં કોંગ્રેસ સંગઠનની દૃષ્ટિએ વધુ મજબૂત બનશે અને લોકોના પ્રશ્નોને ઉઠાવવામાં ફરી સક્રિય બનશે તેવી હાઇ કમાન્ડને આશા

અમદાવાદ :પેટા ચૂંટણીમાં કોંગ્રેસના નબળા પ્રદર્શન બાદ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે રાજીનામું આપ્યા બાદ ગુજરાતની કમાન કોને સોંપવામાં આવશે તેની અટકળો ચાલી રહી હતી ત્યારે આજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે ધારાસભ્ય અમિત ચાવડાની નિમણૂક કરાઈ છે. જ્યારે વિરોધપક્ષના નેતા તરીકે ડો. તુષાર ચૌધરીની નિયુક્તિ કરવામાં આવી છે.
અમિત ચાવડાની પ્રદેશ પ્રમુખ તરીકે બીજી વખત નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ ગુજરાત કોંગ્રેસનો જાણીતો ચહેરો છે. કાર્યકરો સાથે સીધા સંપર્કમાં રહે છે અને રાજ્યના રાજકરણનો તેમને ઉંડો અનુભવ પણ છે. આ ઉપરાંત તેઓ અગાઉ પણ પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે. તેને પુનઃ આ જવાબદારી સોંપવામાં આવતા પક્ષમાં નવી ઉર્જા જોવા મળશે તેવી આશા છે. રાજ્યમાં વિવિધ પ્રશ્નોમાં તેમના નેતૃત્વમાં કોંગ્રેસ સંગઠનની દૃષ્ટિએ વધુ મજબૂત બનશે અને લોકોના પ્રશ્નોને ઉઠાવવામાં ફરી સક્રિય બનશે તેવી હાઇ કમાન્ડને આશા છે.
વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે કોંગ્રેસ દ્વારા ડો. તુષાર ચૌધરીની પસંદગી કરવામાં આવી છે. આ નિયુક્તિને પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે તેઓ આદિવાસી સમાજના અગ્રણી નેતા છે. તેમના દ્વારા આદિવાસી મતદાતાઓના મનમાં પક્ષ ફરી પોતાનું સ્થાન બનાવી શકે છે. તેઓ ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. વિપક્ષ નેતા બનાવવાથી આદિવાસી સમાજના મુદ્દાઓને યોગ્ય મંચ મળી શકે છે.
આ બંને નિમણૂકો દ્વારા કોંગ્રેસ આગામી સમયમાં ગુજરાતમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરશે. અમિત ચાવડાના અનુભવ અને તુષાર ચૌધરીની આદિવાસી સમાજમાં પકડને કારણે પક્ષને ફાયદો થશે તેવી શક્યતા છે. 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષ દ્વારા આ ફેરફારો કરવામાં આવ્યા છે, જેથી સંગઠનને મજબૂત કરી શકાય અને વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકાય.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
