News of Thursday, 17th July 2025
પથરી કે પથ્થર? ૪૦૦ ગ્રામની પથરી જોઈ ડોક્ટરો પણ થંભી ગયા
વિસનગરની સંજીવની હોસ્પિટલમાં ડો.અરુણભાઈ રાજપૂતે ૪૦૦ ગ્રામની પથરી સફળતાપૂર્વક કાઢી છે : દર્દી રમેશજીને ૬ મહિનાથી દુખાવો હતો, ઓપરેશન બાદ તેઓ આરામમાં છે, હોસ્પિટલ પર લોકોનો વિશ્વાસ વધ્યો છે

મહેસાણા, તા.૧૭: વિસનગરની જાણીતી સંજીવની હોસ્પિટલ ફરી એકવાર તેના અદભૂત તબીબી કૌશલ્ય માટે ચર્ચામાં છે. અહીંના તબીબે ક્રિકેટના દડાની સાઇઝ જેવી, એટલે કે લગભગ ૮૦ મિ.મી. અને વજનમાં ૪૦૦ ગ્રામ જેટલી ભારે પથરી, એક દર્દીના મૂત્રમાર્ગમાંથી સફળતાપૂર્વક બહાર કાઢી છે.
વિજાપુર તાલુકાના કમાલપુર ગામના રહેવાસી ઠાકોર રમેશજી રત્નાજી છેલ્લા ૬ મહિનાથી મૂત્રમાર્ગમાં બળતરા અને દુખાવાથી ખૂબ જ પરેશાન હતા. દુખાવો એટલો વધારે હતો કે ચાલવું, બેસવું અને દૈનિક કામ કરવું પણ મુશ્કેલ બની ગયું હતું. અનેક દવાઓ લીધા છતાં કોઈ ફરક પડતો ન હતો. ૭ જુલાઈના રોજ વિસનગર સ્થિત સંજીવની હોસ્પિટલમાં સંપર્ક કર્યો હતો.
હોસ્પિટલના તજજ્ઞ તબીબ ડો. અરુણભાઈ રાજપૂત જણાવે છે કે દર્દી રમેશજીના તમામ રિપોર્ટ્સ તપાસ્યા બાદ જાણવા મળ્યું કે તેમના મૂત્રાશયમાં ક્રિકેટ દડાથી પણ મોટી પથરી છે. આ જાણીને દર્દીનો પરિવાર ચિંતિત થયો, પરંતુ તેમને આશ્વાસન આપવામાં આવ્યું કે સર્જરી દ્વારા આ પથરી કાઢી શકાય છે. બુધવારે સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી અને ૪૦૦ ગ્રામ પથરી કાઢવામાં આવી છે. હવે રમેશજી આરામમાં છે અને તેમની લાંબા સમયથી ચાલતી પીડા હવે પૂરી થઈ ગઈ છે. ડો. અરુણભાઈ રાજપૂત વધુમાં જણાવે છે કે પથરીની સમસ્યા ઘણી વાર દર્દીની આળસ અને સમય સાથે ક્ષાર ભેગો થવાને કારણે વધી જતી હોય છે, જે કિડનીના કાર્યને પણ અસર કરે છે.
દર્દી રમેશજીના સગા ઠાકોર લાલાજી ભલાજીએ જણાવ્યું કે મારા કાકા છેલ્લા ઘણા સમયથી આ પથરીથી પીડાતા હતા. અમે ઘણા ડોક્ટર બદલ્યા પરંતુ કંઈ ફેર ન પડ્યો. ત્યારબાદ અહીંયા નિદાન થવા પર મોટી દડા જેવડી પથરી હોવાનું જાણવા મળ્યું. હાલ તેમનું ઓપરેશન થઈ ગયું છે અને તેઓ સ્વસ્થ હાલતમાં છે. આ સફળ ઓપરેશનને કારણે દર્દીના પરિવારજનો ખુશ છે અને તેમણે સંજીવની હોસ્પિટલ અને ડો.અરુણભાઈનો દિલથી આભાર વ્યક્ત કર્યો છે. આ ઓપરેશનથી સંજીવની હોસ્પિટલ પર લોકોનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે અને વિસનગર-વિજાપુર આસપાસના લોકો માટે આશાનો કિરણ સાબિત થયો છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
