<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

રાજ્‍યના પ્રદૂષણ હોટસ્‍પોટમાં હવે ગાંધીનગર પણ સામેલ

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પ્રદૂષણ રોકવા માટે કડક પગલાં જરૂરી બન્‍યા

ગાંધીનગર : રાજ્‍યનું પાટનગર ગાંધીનગર રાજ્‍યના પ્રદૂષણના હોટસ્‍પોટમાં સામેલ થતાં, ગુજરાત એન્‍વાયરમેન્‍ટ મેનેજમેન્‍ટ ઇન્‍સ્‍ટિટયૂટ (જીઈએમઆઈ) દ્વારા સોર્સ એપોર્શનમેન્‍ટ સ્‍ટડી શરૂ કરવામાં આવ્‍યો છે.

આ અભ્‍યાસ પ્રદૂષણનાસ્ત્રોતો શોધીને ઉદ્યોગોને સ્‍થળાંતર કરવા અને હવા નીતિમાં સુધારા માટેનો માર્ગ મોકળો કરશે.

ગુજરાતની રાજધાની ગાંધીનગર, જે સામાન્‍ય રીતે શુદ્ધ હવા માટે જાણીતી છે, તે હવે પ્રદૂષણના વધતા સ્‍તરને કારણે ચિંતાનું કેન્‍દ્ર બની છે. ગુજરાત એન્‍વાયરમેન્‍ટ મેનેજમેન્‍ટ ઇન્‍સ્‍ટિટયૂટ (જીઈએમઆઈ) દ્વારા શરૂ કરાયેલા સોર્સ એપોર્શનમેન્‍ટ સ્‍ટડી દ્વારા પ્રદૂષણના મુખ્‍યસ્ત્રોતો જેવા કે ટ્રાફિકની ભીડ, શહેરી વિસ્‍તરણ અને બાંધકામ તથા રસ્‍તાઓની ધૂળની ઓળખ કરવામાં આવશે.

 અમદાવાદમાં થોડા વર્ષો પહેલાં કરાયેલા આવા જ એક અભ્‍યાસમાં રહેણાંક વિસ્‍તારો, ગીચ વસ્‍તીવાળા વિસ્‍તારો, વ્‍યાપારી વિસ્‍તારો અને ઔદ્યોગિક ઝોનનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો.

આ અભ્‍યાસમાં રસ્‍તાની ધૂળ, વાહનોનું ઉત્‍સર્જન, ઔદ્યોગિક ધુમાડો અને કચરો બાળવાને પ્રદૂષણના મુખ્‍ય કારણો તરીકે ઓળખવામાં આવ્‍યા હતા. આના આધારે ઘટાડાના ઉપાયો સૂચવવામાં આવ્‍યા હતા.

ગુજરાતના સૌથી વધુ પ્રદૂષિત શહેરો

અમદાવાદ : - ઊંચી વસ્‍તી ઘનતા, ભારે વાહન ટ્રાફિક, ઔદ્યોગિક ઉત્‍સર્જન અને બાંધકામની ધૂળ - પીએમ૨.૫ અને પીએમ૧૦નું સ્‍તર વારંવાર રાષ્‍ટ્રીય ધોરણો કરતાં વધી જાય છે

સુરત : - ટેક્‍સટાઇલ અને હીરાના ઉદ્યોગનું કેન્‍દ્ર - પાવર લૂમ, ટ્રાફિક અને ટેક્‍સટાઇલ કચરો બાળવાથી પ્રદૂષણ

રાજકોટ : - ઔદ્યોગિક ઝોન, ટ્રાફિકની ભીડ અને કાચા રસ્‍તાઓની ધૂળ - સ્‍થાનિક ભૂગોળને કારણે પ્રદૂષકોનું વિખેરણ નબળું

વડોદરા :- પેટ્રોકેમિકલ ઉદ્યોગો, થર્મલ પ્‍લાન્‍ટ અને ઊંચો ટ્રાફિક પ્રદૂષણનું કારણ

મોરબી :- સિરામિક ઉદ્યોગ માટે જાણીતું - કોલસા અને ગેસનો ભારે ઉપયોગ પીએમ૧૦ અને પીએમ૨.૫નું સ્‍તર વધારે છે

વાપી :- ભારતનું સૌથી જૂનું ઔદ્યોગિક એસ્‍ટેટ - રાસાયણિક ઉદ્યોગો હાનિકારક ગેસ અને કણો ઉત્‍સર્જન કરે છે

અંકલેશ્વર :- રાસાયણિક અને ફાર્માસ્‍યુટિકલ ફેક્‍ટરીઓવાળું ઔદ્યોગિક શહેર - નિયમિત રીતે નબળી હવાની ગુણવત્તા નોંધાય છે

ગાંધીનગર :- સામાન્‍ય રીતે સ્‍વચ્‍છ ગણાતું, પરંતુ તાજેતરના અહેવાલોમાં પ્રદૂષણમાં વધારો દર્શાવે છે - ટ્રાફિકની ભીડ, શહેરી વિસ્‍તરણ અને બાંધકામ તથા રસ્‍તાઓની ધૂળ

ભરૂચ :- ઔદ્યોગિક ઉત્‍સર્જન અને પરિવહન સંબંધિત પ્રદૂષણ

આણંદ :- વાહન ટ્રાફિકમાં વધારો અને નજીકના નાના પાયાના ઉદ્યોગો પ્રદૂષણમાં ફાળો આપે છે.

મુખ્‍ય પ્રદૂષકો

પીએમ ૨.૫ - શ્વસન સ્‍વાસ્‍થ્‍ય માટે ખતરનાક ઝીણા કણો 

પીએમ ૧૦ - મોટા ધૂળના કણો -

એનઓએક્‍સ, એસઓ૨ - ઇંધણના દહનથી ઉત્‍પન્ન -

વીઓસી - ઔદ્યોગિક વિસ્‍તારોમાં સામાન્‍ય

જ્જ હાલના પગલા : અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા અને સુરત જેવા શહેરોમાં સોર્સ એપોર્શનમેન્‍ટ સ્‍ટડી શરૂ કરવામાં આવ્‍યા છે, જે પ્રદૂષણના ચોક્કસસ્ત્રોતો શોધી કાઢશે.

ગુજરાત સરકારે મુખ્‍ય શહેરોમાં સ્‍વચ્‍છ ઇંધણ, ઇલેક્‍ટ્રિક વાહનો અને ધૂળ નિયંત્રણની પદ્ધતિઓને પ્રોત્‍સાહન આપવાનું શરૂ કર્યું છે. (‘ધ સેક્રેટરીએટ'માંથી સાભાર)

(4:12 PM IST)