તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Thursday, 17th July 2025
સુરતમાં પાટીદાર દીકરીને ન્યાયની માગ સાથે વિશાળ કેન્ડલ માર્ચ:ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથિરિયા સહિતના આગેવાનો જોડાયા
દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ :કેન્ડલ માર્ચ સુરતના ડભોલી ચાર રસ્તાથી શરૂ થઈને પાટીદાર સમાજની વાડી સુધી અંદાજે બે કિલોમીટર લાંબી યોજાઈ

સુરતના કતારગામમાં 19 વર્ષીય પાટીદાર શિક્ષિકા નેનુ વાવડિયાના આપઘાત મામલે ડભોલી વિસ્તારમાં વિશાળ કેન્ડલ માર્ચ યોજાઈ હતી, જેમાં હજારો લોકો જોડાયા હતા. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ ઘટનાના દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સુરતના કતારગામ વિસ્તારમાં 19 વર્ષીય પાટીદાર શિક્ષિકા નેનુ વાવડિયાના આપઘાતના મામલે ન્યાય અપાવવા માટે 16 જુલાઈની રાત્રે કતારગામના ડભોલી વિસ્તારમાં એક વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્ડલ માર્ચ સુરતના ડભોલી ચાર રસ્તાથી શરૂ થઈને પાટીદાર સમાજની વાડી સુધી અંદાજે બે કિલોમીટર લાંબી યોજાઈ હતી.
આ માર્ચમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ઉપસ્થિત લોકોએ હાથમાં મીણબત્તીઓ અને મોબાઈલની ફ્લેશલાઈટ ચાલુ રાખી હતી. આ કેન્ડલ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય નેનુ વાવડિયાને શ્રદ્ધાંજલિ આપવા ઉપરાંત, સમાજમાં જાગૃતિ લાવવાનો અને ભવિષ્યમાં કોઈપણ સમાજની દીકરી સાથે આવા પ્રકારનું કૃત્ય ન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો.
આ કેન્ડલ માર્ચમાં પાટીદાર અગ્રણીઓ જેવા કે અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા, વિજય માંગુકિયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, રાજકીય નેતાઓ પણ આ માર્ચમાં જોડાયા હતા, જેમાં કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત અને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ હાજર રહ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ આ ઘટનાના ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ ઘટનાને લઈને સમગ્ર સુરતમાં શોક અને રોષની લાગણી પ્રવર્તી રહી છે.
નેનુ રજનીભાઈ વાવડિયા કતારગામના નાનીવેડ વિસ્તારમાં આવેલા વિધિ પેલેસ એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતી હતી. તે છેલ્લાં બે વર્ષથી આંબા તલાવડી એવલોન બિલ્ડિંગની બાજુમાં આવેલા તાના ટ્યૂશન ક્લાસીસમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી. ગત 13 જુલાઈના રોજ સાંજના સમયે નેનુએ પોતાના ઘરે જ સાડી વડે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. તેના ભાઈ યશે ઘરે આવીને જોતાં દરવાજો ન ખૂલતાં, આજુબાજુના લોકોની મદદથી ગેલેરીમાંથી તપાસ કરતા નેનુ હોલમાં બેભાન હાલતમાં જોવા મળી હતી.
તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા તેને સ્મિમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી. પોસ્ટમોર્ટમ બાદ 14 જુલાઈના રોજ તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. નેનુના પિતા રજનીભાઈ બાંધકામનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને યશ નામનો એક દીકરો (22 વર્ષ) પણ છે જે હીરાના ખાતાની ઓફિસમાં કામ કરે છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
