તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં બે મહત્વના ડેમ કેલીયા ડેમ અને જુજ ડેમ 100 ટકા સપાટીએ ભરાઇને ઓવરફ્લો : બન્ને ડેમના હેઠવાસના ગામોના લોકોને સ્થાનિક તંત્ર દ્વારા સાવચેત કરાયા
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સ્થિત કેલીયા અને જુજ ડેમ મુખ્યત્વે ખરીફ અને રવિ સીઝન માટે ખેડૂતોને આશિર્વાદ રૂપ : પાણી ભરાતા ગ્રામજનો અને ખેડૂતોમાં સિંચાઇના પાણીની ચિંતા દુર થતા ખેડૂતોમાં આનંદની લાગણી

નવસારી તા.૧૫ : નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં બે મહત્વના ડેમ સ્થિત છે. કેલિયા ડેમ અને જુજ ડેમ જે બન્ને આજે 100 ટકા સપાટીએ ભરાઇને ઓવરફ્લો થયા છે. જે અન્વયે બન્ને ડેમના હેઠવાસના ગામોના લોકોને સ્થાનિક તંત્ર દ્વારા સાવચેત કરાયા છે.
મહત્ત્વનું છે કે, કેલીયા ડેમ અને ઝૂઝ ડેમ ઓવરફલો થતાં દેસરા ભાઠા ફળિયા, ભૂરી નગરી,સાઇનાથ નગર, ગિરિરાજ નગર, નાના કોળીવાડ વિસ્તાર રામજી મંદિરથી કુંભારવાડ વિસ્તારમાં નાગરિકોને સલામત સ્થળે ખસી જઇ સાવચેત રહેવા જાહેરાત કરવામાં આવી છે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના જુજ ગામે કાવેરી નદી ઉપર સ્થિત જુજ ડેમ આજે તારીખ 15-7-2025ના રોજ વહેલી સવારના 3.00 કલાકે સંપૂર્ણ સપાટીએ ભરાઇ ઓવર ફ્લો થયો છે. હાલ ડેમમાંથી 232.33 ક્યુસેક પાણીનો પ્રવાહ ઓવરફ્લો થઇ રહ્યો છે. જળાશયની સંપૂર્ણ જળ સપાટી 167.50 મીટર છે. જળાશયમાં હાલ તારીખ 15-7-2025ના રોજ સવારના 10 વાગ્યાના આંક અનુસાર સપાટી 167.80 મીટર છે. ડેમઓવર ફ્લો થતા ડેમ વિસ્તારને લગતા કુલ-25 ગામોને એલર્ટ કરાયા છે. જેમાં વાંસદા તાલુકાના 13 ગામો, ચીખલી તાલુકાના 06 ગામો અને ગણદેવી તાલુકાના 06 ગામોના નાગરીકોને એલર્ટ કરાયા છે.
આ સાથે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેલિયા ગામે ખરેરા નદી ઉપર સ્થિત કેલિયા ડેમ આજે તારીખ 15-7-2025ના રોજ સવારે 10 વાગ્યાના અરસામા સંપૂર્ણ સપાટીએ ભરાઇ ઓવર ફ્લો થયો છે. હાલ ડેમમાંથી 1177.16 ક્યુસેક પાણીનો પ્રવાહની આવક થઇ રહી છે. જળાશયની સંપૂર્ણ જળ સપાટી પણ તારીખ 15-7-2025ના રોજ સવારના 10 વાગ્યાના આંક અનુસાર 113.40 મીટર છે. ડેમઓવર ફ્લો થતા ડેમ વિસ્તારને લગતા કુલ-21 જેટલા ગામોના નાગરીકોને સાવચેત કરાયા છે. જેમાં વાંસદા તાલુકાના 01 ગામ, ચીખલી તાલુકાના 16 ગામો, ખેરગામ તાલુકાના 01 ગામ, અને ગણદેવી તાલુકાના 05 ગામોના નાગરીકોને એલર્ટ કરાયા છે.
નોંધનિય છે કે, નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સ્થિત કેલીયા અને જુજ ડેમ મુખ્યત્વે ખરીફ અને રવિ સીઝન માટે ખેડૂતોને આશિર્વાદ રૂપ છે. બન્ને ડેમ સંપૂર્ણ સપાટીએ પાણી ભરાતા ગ્રામજનો અને ખેડૂતોમાં સિંચાઇના પાણીની ચિંતા દુર થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
