તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th July 2025
રાજ્યમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામ યુદ્ધના ધોરણે : ૫૧% માઇનોર, ૪૦% મેજર પેચવર્ક અને ૬૨% ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ થયા હોવાનો દાવો!
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિર્દેશ બાદ માર્ગ-મકાન વિભાગ સક્રિય : ૧૮૩ પૈકી ૧૫૪ ડાયવર્ટેડ રસ્તાઓનું ગુણવત્તા નિયંત્રણ દ્વારા નિરીક્ષણ : ૧૫ રસ્તાઓ પર વાહનવ્યવહાર પૂર્વવત

ગાંધીનગર, તા. ૧૩ જુલાઈ, ૨૦૨૫ (રવિવાર): ચોમાસામાં થયેલા ભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં રોડ-રસ્તાઓને ભારે નુકસાન પહોંચ્યું છે. નાગરિકોને ખરાબ રસ્તાઓના કારણે કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સૂચના મુજબ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત, રાજ્યના ક્ષતિગ્રસ્ત રસ્તાઓના ૫૧ ટકા માઇનોર પેચવર્ક અને ૪૦ ટકા મેજર પેચવર્ક પૂર્ણ કરવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે. આ ઉપરાંત, રસ્તાઓમાં પડેલા નાના-મોટા ખાડા (પોટહોલ્સ) પૂરવાની ૬૨ ટકાથી વધુ કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી હોવાનું જણાવાયું છે.
ગુજરાતમાં રાજ્ય, પંચાયત, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને પાટનગર યોજનાના મળીને કુલ ૧.૧૯ લાખ કિલોમીટરથી વધુ લંબાઈ ધરાવતા રસ્તાઓ આવેલા છે. આ રસ્તાઓ પૈકી, ભારે વરસાદના પગલે ક્ષતિગ્રસ્ત થયેલા ૧,૮૯૩ કિલોમીટરના રસ્તાઓ પર માઇનોર પેચવર્ક કરવાપાત્ર હતા, જેમાંથી ૯૫૭ કિલોમીટર (૫૧ ટકા) નું કામ પૂર્ણ થયું છે. તેવી જ રીતે, મેજર પેચવર્ક કરવાપાત્ર ૧,૦૭૪ કિલોમીટરના રસ્તાઓમાંથી ૪૨૫ કિલોમીટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. બાકી રહેલા રસ્તાઓના સમારકામની કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલુ છે.
અત્યાર સુધીમાં, ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પરના કુલ ૧૪,૧૬૯ માઇનોર પોટહોલ્સ (ખાડા) પૈકી ૮,૮૪૧ (૬૨ ટકાથી વધુ) પોટહોલ્સ ભરવાની કામગીરી પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આમાં કોન્ક્રીટથી ભરેલા ૨૪૩ ખાડા, પેવર બ્લોકથી ભરેલા ૧૩૮ ખાડા, મેટલથી ભરેલા ૫,૪૮૦ ખાડા અને ડામરથી ભરેલા ૨,૮૪૦ ખાડાનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં પણ નાગરિકોને કોઈ અસુવિધા ન થાય તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરી તકેદારીના પગલાં લઈ સત્વરે રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત, રાજ્યમાં ભારે વરસાદના પગલે કુલ ૧૮૩ રસ્તાઓને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જે પૈકી ૧૫૪ રસ્તાઓનું ગુણવત્તા નિયંત્રણ (ક્વોલિટી કંટ્રોલ) દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ડાયવર્ઝન આપવામાં આવેલા રસ્તાઓમાંથી, માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૧૨ જેટલા રસ્તાઓનું સ્ટ્રક્ચર પૂર્ણ થતાં તેમના પર અને અન્ય ૩ વૈકલ્પિક રસ્તા પર વાહનવ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ૯૮ જેટલા ડાયવર્ઝન સારી સ્થિતિમાં છે જ્યારે ૪૧ ડાયવર્ઝન રિપેરિંગ હેઠળ છે, તેમ માર્ગ અને મકાન વિભાગની યાદીમાં જણાવાયું છે.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
