<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

વડોદરામાં ગાદલા ઉત્પાદનના ગોડાઉનમાં આગઃ અફરાતફરી મચી ગઇ

છ થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી, દૂરદૂર સુધી ધુમાડાના ગોટેગોટા

વડોદરાઃ વડોદરા શહેરના ડભોઇ રોડ પર સ્થિત હરિ ભક્તિ એસ્ટેટમાં આજે શિવરંજની નામના ગાદલા ઉત્પાદકના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ગાદલા બનાવવામાં વપરાતું રૂ ભરેલા ગોડાઉનમાં આગ લાગતાં થોડી જ મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા અફરાતફરી મચી જવા પામી હતી.

વિકરાળ આગના પગલે ગાઢ ધુમાડાના ગોટેગોટા આસપાસના વિસ્તારોમાં ફેલાતા લોકોમાં ભય અને અફરાતફરી જોવા મળી હતી. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તરત જ છથી વધુ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી અને ફાયર લાશ્કરો દ્વારા આગને કાબૂમાં લેવા માટે સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ મહદઅંશે આગ પર કાબુ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઇ હતી.

આ ઘટનામાં સદનસીબે હજુ સુધી કોઈ જાનહાની થઇ નથી. જોકે ગોડાઉનનું ભારે આર્થિક નુકસાન થવાનું અનુમાન છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા શમણ કાર્ય યથાવત રાખવામાં આવ્યું છે અને આગ લાગવાના કારણોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટના ના પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

(4:26 PM IST)