<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

અમદાવાદની સ્કૂલમાં લંપટ શિક્ષકે 13 વર્ષની બાળકી સાથે અડપલા કર્યા, મારી નાખવાની ધમકી આપી

બાળકીઓ આ ઘટના વિશે તેની માતાને જાણ કરતાં પોલીસ સ્‍ટેશનમાં શિક્ષક વિરૂધ્‍ધ ફરીયાદ નોંધાવાઇઃ આ શિક્ષક અન્‍ય બાળકીઓ સાથે પણ આવું કૃત્‍ય કરતો

અમદાવાદઃ  AMCની સ્કૂલમાં એક શિક્ષકની અશ્લીલ હરકતનો પર્દાફાશ થયો છે. શિક્ષકે 13 વર્ષની બાળકીને રિસેસ દરમિયાન એકાંતમાં બોલાવી, ખોળામાં બેસાડી અને શારીરિક અડપલાં કર્યા હતા. તેમજ, આ અંગે કઈ રીતે કોને કહે નહિ તે માટે બાળકીને જીવના ભયની ધમકી આપી હતી. બાળકીએ આ ઘટના વિશે માતાને જણાવતાં, માતાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં શિક્ષક રણછોડ રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાની જાણ થતા જ શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલી AMCની સ્કૂલમાં 13 વર્ષની બાળકી અભ્યાસ કરે છે. સ્કૂલના સંગીતના શિક્ષક રણછોડ રબારી વારંવાર રિસેસના સમયે બાળકીને બોલાવીને એકાંતમાં લઈ જતો હતો. પછી તે બાળકીને હાથ પકડીને ક્લાસરૂમમાં લઈ જતો અને ખોળામાં બેસાડીને શારીરિક અડપલાં કરતો હતો.

બાળકી ઘરે જઈને ઉદાસ અને વિચારમગ્ન બેસી રહેતાં, તેની માતાએ કારણ પૂછતાં બાળકીએ સમગ્ર ઘટના જણાવ્યું હતું. બાળકીએ જણાવ્યું કે, શિક્ષક રણછોડ રબારી માત્ર તેની સાથે જ નહીં, પણ અન્ય બાળકીઓ સાથે પણ આવી હરકત કરે છે. આ અંગે કોઈને કહેશે તો મારી નાખીશ તેવી ધમકી પણ આપતો હતો. પછી બાળકીની માતાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવતા, પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે.

અમદાવાદ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી એલ. ડી. દેસાઈએ જણાવ્યું હતું કે શિક્ષક વિરુદ્ધ થયેલી ફરિયાદ અંગે બોર્ડને જાણ મળી ગઈ છે અને હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે. બનાવની માહિતી મળતા જ શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

(3:49 PM IST)