<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

સુરત મનપા દ્વારા ખુલ્લા પ્લોટોના 56 માલિકો સામે મચ્છરજન્ય સ્થિતિ માટે નોટીસ: 1.70 લાખનો દંડ

345 જેટલા ખુલ્લા પ્લોટોમાં મેન્યુઅલી (માણસો દ્વારા) નીક પાડી પાણીનો નિકાલ તથા ૬૭૩ પ્લોટોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાયો

ચોમાસાની ઋતુમાં નવા પાણીની આવક અને પાણીના ભરાવાને ધ્યાને લઈ આરોગ્ય વિભાગ દ્વારા ‘મેલેરિયા અને ડેન્ગ્યુમુક્ત ગુજરાત’ના ધ્યેય સાથે રાજ્યભરમાં જૂન માસને 'મેલેરિયા માસ' તેમજ જુલાઇ માસને ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મેલેરિયામુક્ત ગુજરાત અભિયાનને વેગવંતુ બનાવવા માટે સુરત મહાનગરપાલિકાના વાહકજન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા શહેરમાં સ્પેશ્યલ સઘન હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને વાહકરોગ નિયંત્રણની કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવી હતી.

જિલ્લામાં વાહક જનિત રોગ નિયંત્રણ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. વાહકજન્ય રોગોનું વધુ જોખમ ધરાવતા શહેરના નિયત વિસ્તારોમાં સંપૂર્ણ વિસ્તાર આવરી લેવાય તે રીતે સ્પેશ્યલ સર્વેલન્સ કામગીરી હાથ ધરાઈ છે.

મનપાની ટીમો દ્વારા તા. 1 થી 11 જુલાઈ દરમિયાન મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે ઘરે ઘરે ફેમિલી સર્વે તથા મેલેરિયા સર્વેલન્સ, એન્ટીલાર્વલ, ફોગીંગ, ટાયરો, કેરબા, પીપડા તેમજ નકામા બિનવપરાશી કાટમાળનો નિકાલ, વહીવટી ખર્ચની વસૂલાત, આરોગ્યરક્ષણ સંબંધી નોટિસ ઇસ્યુ, ખુલ્લા પ્લોટોમાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.

સુરત મહાનગરપાલિકાનાં વીબીડીસી વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે વરસાદી પાણી ભરાયેલા 2017 ખુલ્લા પ્લોટોમાં સર્વે કરવામાં આવ્યો હતો, જે પૈકી 484 પ્લોટોમાં પોરાભક્ષક માછલી (ફીશ રિલીઝ) મૂકવામાં આવી હતી.

4 ખુલ્લા પ્લોટોમાં ડીવોટરીંગ (મશીન દ્વારા પાણી નિકાલ), 241 પ્લોટોમાં માટી પુરાણ, 270 પ્લોટોમાં જેસીબી મશીન દ્વારા નીક પાડી પાણી નિકાલ, 345 જેટલા ખુલ્લા પ્લોટોમાં મેન્યુઅલી (માણસો દ્વારા) નીક પાડી પાણીનો નિકાલ તથા ૬૭૩ પ્લોટોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાયો હતો. ખુલ્લા પ્લોટોના 56 માલિકો સામે મચ્છરજન્ય પરિસ્થિતિના સર્જન બદલ નોટીસ આપી રૂપિયા 1,70,300 વહીવટી ખર્ચ વસુલ કરાયો છે.

અત્રે નોંધનીય છે કે, ડેન્ગ્યુ, મેલેરિયાના ફેલાવા માટે જવાબદાર મચ્છર ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થાય છે, જેથી પાણીનાં સંગ્રહના વાસણો, પાણીની ટાંકીઓ હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખો. પાણીના વાસણો દર અઠવાડિયે ધોઇને સાફ કરવા, ફુલદાની, કુલર, મનીપ્લાન્ટ, વગેરેનું પાણી દર ચોથા દિવસે બદલવું. જેથી ડેન્ગ્યુ, મેલેરિયા રોગના ફેલાવા માટે જવાબદાર મચ્છરોની ઉત્પત્તિ અટકાવી શકાય.

 


 

(9:27 PM IST)