તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th July 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ગ્રામ્ય હિતમાં ઐતિહાસિક નિર્ણય : પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણના લાભાર્થીઓને વધારાની ₹૫૦,૦૦૦ સહાય અપાશે : હવે કુલ ₹૧,૭૦,૦૦૦ મળશે!
વધતી કિંમતોને ધ્યાને લઈ રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે કરી જાહેરાત : ચાલુ વર્ષના બજેટમાં ₹૫૫૦ કરોડની જોગવાઈ : ૧.૧૦ લાખ પરિવારોનું 'પોતાના ઘરનાં ઘર' નું સપનું સાકાર થશે

રાજકોટ : ગ્રામીણ વિસ્તારના ઘરવિહોણા અને કાચા આવાસો ધરાવતા પરિવારોનું "પોતાના ઘરના ઘરનું" સ્વપ્ન સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને જનહિતલક્ષી નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અમલમાં મુકાયેલી "પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ" હેઠળ હવે લાભાર્થીઓને આવાસના નિર્માણ માટે વધારાની ₹૫૦,૦૦૦ ની સહાય આપવામાં આવશે. આ જાહેરાત ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે કરી હતી.
કુલ સહાય ₹૧,૭૦,૦૦૦: ચાર તબક્કામાં ચૂકવાશે:
આ નિર્ણય અંગે વિગતવાર માહિતી આપતા ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, "પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં "સામાજિક-આર્થિક મોજણી અભ્યાસ-૨૦૧૧" તેમજ "આવાસ પ્લસ સર્વે" મુજબ પાત્રતા ધરાવતા રાજ્યના ઘરવિહોણા અને કાચા આવાસ ધરાવતા પરિવારોને આવરી લેવાનો રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે."
મંત્રીએ ઉમેર્યું હતું કે, અત્યાર સુધી આ યોજના હેઠળ લાભાર્થીઓને ત્રણ તબક્કામાં કુલ ₹૧,૨૦,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવતી હતી. ગ્રામીણ વિસ્તારોમાં મકાન બાંધકામ માટે વપરાતા રેતી, કપચી, સિમેન્ટ, સ્ટીલ જેવા માલસામાનની વધતી કિંમતો ઉપરાંત, ભૌગોલિક અને અંતરિયાળ વિસ્તારોના કારણે થતા પરિવહન ખર્ચને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લાભાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
આ મુશ્કેલીઓ દૂર કરવા માટે રાજ્ય સરકાર તરફથી વધારાની ₹૫૦,૦૦૦ સહાય આપવામાં આવશે. "વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરી ગામડાઓને સમૃદ્ધ અને મજબૂત બનાવવાના ઉમદા આશય સાથે વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં આ વધારાની સહાય ચૂકવવા માટે કુલ ૧,૧૦,૦૦૦ લાભાર્થીઓના લક્ષ્યાંક સાથે ₹૫૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે," તેમ ગ્રામ વિકાસ મંત્રીએ ઉમેર્યું હતું.
હપ્તાઓની નવી વ્યવસ્થા:
ગ્રામ વિકાસ મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, હવેથી લાભાર્થીઓને આવાસ મંજૂરી સમયે પ્રથમ હપ્તા પેટે ₹૩૦,૦૦૦, પ્લીન્થ લેવલે બીજા હપ્તા પેટે ₹૮૦,૦૦૦, રૂફ-કાસ્ટ લેવલે ત્રીજા હપ્તા પેટે ₹૫૦,૦૦૦ તેમજ આવાસ પૂર્ણ થયેથી ચોથા હપ્તા પેટે ₹૧૦,૦૦૦ મળી, કુલ ₹૧,૭૦,૦૦૦ ની સહાય આપવામાં આવશે. આ કુલ સહાયમાંથી ₹૯૮,૦૦૦ ની સહાય રાજ્ય સરકારના ભંડોળમાંથી અને ₹૭૨,૦૦૦ ની સહાય કેન્દ્ર સરકારના ભંડોળમાંથી ચૂકવવામાં આવશે.
મંત્રીએ જણાવ્યું હતું કે, આ વધારાની સહાયથી ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓને પ્લીન્થ લેવલથી લઈને મકાન પૂર્ણ કરવા સુધીની કામગીરી દરમિયાન નાણાકીય મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે અને આવાસ બાંધકામ ઝડપથી પૂર્ણ થશે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૧૧,૬૦૬ લાભાર્થીઓને ₹૫૮ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા આ દૂરોગામી આયોજનથી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આ નિર્ણય મહત્વપૂર્ણ પૂરવાર થશે. આ પ્રજાલક્ષી નિર્ણય ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓને નવા આવાસના બાંધકામમાં મદદરૂપ થશે અને સમૃદ્ધ ગ્રામ નિર્માણમાં આ યોજનાનું યોગદાન પણ મહત્વપૂર્ણ રહેશે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
