તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th July 2025
સુરતના ૧૦૦૦ કરોડના ડબ્બા ટ્રેડિંગ કૌભાંડની તપાસમાં આવકવેરા વિભાગની એન્ટ્રી
કરોડો રૂપિયાના ટ્રાન્ઝેકશન કયા ખાતામાં થયા તેની તપાસ શરૂઃ કરોડો રૂપિયા ફ્રીઝ કરાયા - લોકોને બ્લેક મની સટ્ટામાં રોકાણ કરવાની મધલાળ આપીને વધુ નફાની લાલચ આપવામાં આવતી હતી

અમદાવાદ તા.૧૦: સુરતના એક બિલ્ડરની ઓફિસમાં રાઉન્ડ ધી ક્લોક ડબ્બા ટ્રેડિંગ અને તમામ પ્રકારની ગેમ પરના સટ્ટાના કૌભાંડનો સુરત એસઓજી ટીમે દરોડા પાડી પર્દાફાશ કરીને ૧૦૦૦ કરોડ રૂપિયાના ડબ્બા ટ્રેડિંગનું કૌભાંડ શોધી કાઢેલ છે. આ ગેંગ દ્વારા સંખ્યબંધ ભૂતિયા બેંક એકાઉન્ટોનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેની તપાસ ચાલી રહી છે. હવે આ ભૂતિયા એકાઉન્ટ અને તેમાં થયેલા કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શનની વિગતે તપાસ કરવા માટે આવકવેરા તંત્રની ઓફિશિયલ એન્ટ્રી થઇ ગઇ છે.
ટોળકીના બે મુખ્ય સૂત્રધારની નંદલાલ ઉર્ફે નંદો ગેવરીયા અને વિશાલ ઉર્ફે વિક્કી ગેવરીયા સહિત આઠ લોકોને એસઓજી ટીમે ઝડપી પાડ્યા હતા. જેમની વિગતે પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, ૨૫૦ જેટલી બોગસ આઇડી અને બેન્ક એકાઉન્ટોમાં રૂ. ૯૪૮ કરોડના નાણાકીય વ્યવહારો થયા હતા. આ ટુકડી ડબ્બા ટ્રેડિંગ અને શેરબજારના સોદા ઉપરાંત ક્રિકેટ, ફુટબોલ, ટેનિસ અને કેસીનોના ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પરથી લાઇવ સટ્ટો રમાડતી હતી.
આ ટોળકી તેમના મળતીયાઓના સંખ્યાબંધ બેન્ક એકાઉન્ટમાંથી મળી આવેલા કરોડો રૂપિયા હાલ ફ્રીઝ કરવામાં આવ્યા છે. તપાસમાં કૌભાંડીઓ દ્વારા કરવામાં આવેલા નાણાકીય વ્યવહારોની અને તેમણે જે કરોડો રૂપિયાની આંગડિયા પેઢીઓ દ્વારા હેરાફેરી કરી હતી, તેની વિગતો પણ સામે આવી છે. જેની તપાસ ચાલી રહી છે. કૌભાંડ માટે લોકોને પોતાની પાસેના બ્લેક મની રોકવા માટે ઉત્સાહિત કરવામાં આવતા હતા. ડબ્બા ટ્રેડિંગમાં કોણે કેટલા રૂપિયા રોકયા હતા તેની તપાસ ચાલી રહી છે.
પકડાયેલા આરોપીઓઃ નંદલાલ ઉર્ફે નંદો વિઠ્ઠલ ગેવરીયા, વિશાલ ઉર્ફે વિકી મનસુખ ગેવરીયા, જયદીપ કાનજી પીપળીયા, ભાવિન અરવિંદ હીરપરા, નવનીત ચતુર ગેવરીયા, ભાવેશ જીણાભાઇ કિહલા, બકુલ ગમન તરસરીયા, સાહિલ મુકેશ સુવાગિયા. (૩૮.૨)
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
