<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

લીલા શાકભાજીમાં તોતિંગ ભાવ વધારોઃલોકો ત્રાહિમામ

લગભગ બમણાં થઇ ગયેલા શાકભાજીના ભાવથી ગળહિણીઓના બજેટ ખોરવાઇ ગયા : દરેક શાકભાજી ૧૨૦ થી ૧૮૦ રૂપિયે કિલો વેચાઇ રહી છેઃ ટામેટાં ૬૦ રૂપિયે કિલો થઇ ગયાઃ તો ડુંગળી અને બટાકા સરેરાશ ૩૦ રૂ. કિલો વેચાઇ રહ્યા છે

 

અમદાવાદ તા.૧૦: આ વર્ષે ચારે તરફ વરસી રહેલાં વરસાદના પગલે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. સામાન્‍ય રીતે સપ્‍ટેમ્‍બરથી દિવાળી સુધી લીલાં શાકભાજીમાં ભાવ વધારો ઝીંકાતો હોય છે, પરંતુ આ વર્ષે જૂનથી જ ભાવમાં કમરતોડ વધારો થઇ ગયો છે અને લોકો ત્રાહિમામ્‌ પોકારી ઉઠ્‍યા છે. દરેક શાકભાજી ૧૨૦થી ૧૮૦ રૂપિયે કિલો વેચાઇ રહેલ છે. ટામેટાં ૬૦ રૂપિયે કિલો થઇ ગયાં છે, તો ડુંગળી અને બટાકા સરેરાશ ૩૦ રૂ. કિલો વેચાઇ રહ્યા છે. વેપારીઓ મોસમના મિજાજને દોષ આપી રહ્યા છે અને હોલસેલ બજારોમાં પણ શાકભાજીની ઓછી આવક આંખે ઊડીને વળગી રહી છે...!

શાકભાજીના ભાવ પર નજર કરીએ તો છેલ્લાં ઘણા સમયથી સાવ ફેંકી દેવાના ભાવે વેચાઇ રહેલાં ભીંડાના ભાવ અત્‍યારે એક કિલોના ૧૨૦ રૂ. થઇ ગયા છે, જે ૫૦થી ૬૦ રૂપિયા કિલો હતા. એવી જ રીતે ફુલાવર ૫૦થી ૬૦ રૂપિયા મળતું હતું, જેના અત્‍યારે ૧૨૦થી ૧૪૦ થઇ ગયા છે. ૨૫થી ૩૦ રૂપિયામાં મળતી દૂધીના ભાવ વધીને ૮૦થી ૯૦ રૂપિયા સુધી પહોંચી ગઇ છે. તુરીયા, પરવર, રિંગણા, કારેલા, પાલક, ટીંડોળા જેવા શાકભાજી સરેરાશ ૧૨૦થી ૧૮૦ રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે.. જેના ભાવ થોડાં દિવસ પહેલાં સુધી ૩૦થી ૪૦ ટકા ઓછાં હતાં.

વેપારીઓનું કહેવું છે કે મોટાભાગના જિલ્લામાં શાકભાજીનું ઉત્‍પાદન નહિંવત હોવાથી દૈનિક માગને લઈ લીલા શાકભાજી રાજ્‍યના અન્‍ય પ્રાંતોમાંથી આવી રહ્યા છે. જો કે, જિલ્લામાં પડી રહેલાં વરસાદના કારણે આ આવકમાં ઘટાડો થતાં માગ સામે પુરવઠો ખોરવાયો છે. જેના કારણે લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્‍યા છે. આ પણ અધુરું હોય તેમ સ્‍થાનિક કક્ષાએ ઉત્‍પાદિત થતાં શાકભાજી વરસાદમાં પલળી જવાના કારણે તેમાં બગાડની ટકાવારી વધતાં રોજિંદા વપરાશ સામે વ્‍યાપક પ્રમાણમાં ઘટ ઊભી થતા લીલા શાકભાજીના ભાવ રોકેટ ગતિએ આકાશે પહોંચ્‍યા છે.

સામાન્‍ય દિવસોમાં ૫૦૦થી એક કિલો શાકભાજી ખરીદતાં ગળહિણીઓને હાલ ભાવ વધારાના પગલે રેશનિંગ કરવાની ફરજ પડી છે. એક ગળહિણીના જણાવ્‍યા પ્રમાણે પહેલાં જે શાકભાજી ૫૦૦ ખરીદતાં હતાં, એ હવે ૩૦૦ જેટલું જ ખરીદીએ છીએ. શાકમાં બટાકાનું પ્રમાણ વધારી દીધું છે અથવા તો અઠવાડિયામાં બેથી ત્રણ વાર શાક બનાવવા પર કાપ મૂકીને કઠોળ અને દાળનું પ્રમાણ વધારી દીધું છે. જેથી કરીને વધતી મોંઘવારી વચ્‍ચે બજેટ જાળવી શકાય.

માર્કેટમાં થોડાક દિવસો પહેલાં ડુંગળી સાવ સસ્‍તામાં ફેંકી દેવાના ભાવે વેચાઇ રહી હતી. હવે ડુંગળી પણ ૨૫થી ૩૦ રૂપિયે કિલોના ભાવે પહોંચી છે.(૩૮.૩)

(9:49 AM IST)