તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th July 2025
કાયદો-વ્યવસ્થાની સમીક્ષા અંગે હર્ષ સંઘવીની ગાંધીનગરમાં બેઠક
અસામાજિક તત્વો વિરૂધ્ધ થયેલી કામગીરીની સરાહના કરી હજુ આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની દિશામાં ચોક્કસ રણનીતિ ઘડવા અને વ્યાજખોરો વિરૂધ્ધ ફરિયાદ લઈને આવતા અરજદારને સિનિયર ઓફિસર સાંભળે અને તેની સમસ્યાનો ઉકેલ લાવે તે અંગે ગૃહ રાજય મંત્રીની ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૂચનાઃ હની ટ્રેપ જેવા ગુનાઓમાં કડકમાં કડક કાર્યવાહી કરવા આદેશઃ પોલીસ વડા સહીત ઉચ્ચ અધિકારીઓ હાજર

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૯: ગાંધીનગર ખાતે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વડાની હાજરીમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ખાસ સમીક્ષા બેઠક યોજી હતી અને કાયદો વ્યવસ્થા યોગ્ય રીતે જળવાય એ માટે અસામાજિક તત્વો ઉપર ધોંસ બોલાવવા અને કાયદાનુ ઉલ્લંધન કરતા કોઈ પણ ચમરબંધીને છોડવા નહી તેવી કડક સુચના પોલીસ અધિકારીઓને આપવામાં આવી હતી.
બેઠકમાં રાજ્યમાં ડ્રગ્સ સામે ચાલી રહેલી ઝુંબેશ અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા એન.ડી.પી.એસ.ના કેસો અગાઉની સરખામણીમાં બમણાથી પણ વધુ કેસો કરવામાં આવતા મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવી સ્થાનિક પોલીસને પણ એન.ડી.પી.એસ.ના કેસ કરવા અંગે સૂચના આપી હતી.
આ બેઠકમાં ગુજરાતમાં જુદી જુદી જગ્યા ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ થયેલી કાર્યવાહી માટે પોલીસ ખાતાની પીઠ થાબડી હતી અને હજુ પણ ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા સુચના આપી હતી.
રાજયમાં રાજ્યમાં ગુજસીટોક હેઠળ કરવામાં આવેલી સઘન કાર્યવાહીની મંત્રીએ સરાહના કરી. રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ લીધો હતો અને આવા તત્વો સામે હજુ કડકમાં કડક કાર્યવાહી કરવાની દિશામાં ચોક્કસ રણનીતિ ઘડવા સૂચના આપી હતી.
રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ ખૂબ કડક કામગીરી કરવામાં આવી રહી છે જેમાં છેલ્લા ડોઢ વર્ષ દરમિયાન ૨૪૮૭ વ્યાજખોરો વિરૂધ્ધ ૧૦૫૪ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને ગુજરાત પોલીસ ૬૪૧ લોન મેળા યોજી નાગરિકોને મદદરૂપ થઈ છે સ્થાનિક પોલીસ સ્ટેશને વ્યાજ ખોરો વિરુદ્ધ એફ.આઇ.આર.માં વિલંબ ન થાય તેની ખાસ કાળજી રાખવા અને વ્યાજખોર વિરૂધ્ધ કડક કાર્યવાહી થાય તે માટે અરજદારને સિનિયર ઓફિસર ખુદ સંવેદનાપૂર્વક સાંભળે અને તેની સમસ્યાનો ઉકેલ લાવે તે અંગે મંત્રી દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી.
હાલ હની ટ્રેપના બનાવો વધી રહયા છે ત્યારે તેવા તત્વો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ સુચના આપવામા આવી હતી રાજયમાં આવા ઞુનેગારો સામે છેલ્લા ડોઢ વર્ષ દરમિયાન ૨૯૬ આરોપીઓ વિરૂધ્ધ ૬૬ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી નિપુણા તોરવણે રાજ્યના તમામ પોલીસ કમિશનર, તમામ રેન્જના વડા સહિત રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
