તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
ગુજરાતભરમાં સંભવતઃ પ્રથમ વખત કલેકટર કચેરીમાં સાંસદનું કાર્યાલય : વચેટીયાઓ ઉપર તીસરી આંખ?

રાજકોટ : અહિંથી ૬૫ કિ.મી. દૂર આવેલ મોરબી શહેરની કલેકટર કચેરીમાં રાજયસભાના સાંસદને ગુજરાતમાં પહેલી વખત જીલ્લા પંચાયતના બદલે કલેકટર કચેરીમાં કાર્યાલયે ફાળવવામાં આવતા અનેક કહાનીને જન્મ આપ્યો છે. જનસંપર્ક કરવાને બદલે ઝટપટ કામ કરાવતા વચેટીયાઓ ઉપર ‘તીસરી આંખ' ગોઠવ્યાની કર્મચારીઓમાં ભારે ચર્ચા ચાલી રહેલ છે. અડધા આગેવાનો ઓફીસના ઓપનીંગમાં આવીને અભિનંદન પાઠવ્યા જયારે અમુક આગેવાનો અને કાર્યકરો હજુ મુહૂર્ત માટે પ્રતિક્ષામાં હોવાની પણ ચર્ચા છે.
શ્રી કેશરીદેવસિંહ ઝાલા (સાંસદ શ્રી રાજયસભા)એ ૩૦ જૂન સોમવારના રોજ લોકપ્રશ્નોને વાચા આપવા માટે રૂમ નં.૧૦૪, પ્રથમ માળ, કલેકટર કચેરી, જીલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, ઓરડી મેઈન રોડ, મોરબી-૨ ખાતે સંપર્ક કાર્યાલયનો મંગલ પ્રારંભ કરતા કાર્યાલય ખાતે અનેક આગેવાનોના આવાગમન વચ્ચે કલેકટર કચેરીમાં આ ‘જનસંપર્ક કાર્યાલય' ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
વાત જાણે એમ છે કે રાજયસભાના સાંસદને કદાચ ગુજરાત આખામાં પહેલી વખત કલેકટર કચેરીમાં ઓફીસ આપવામાં આવી છે. આવુ ભારતભરમાં પણ જવલ્લે જ બન્યુ હશે.
જીલ્લા પંચાયત મોરબી અને કલેકટર કચેરી વચ્ચે માત્ર એક દિવાલનો ફરક હોવા છતા અહિં જનસંપર્ક કાર્યાલય માટે લીગલ પ્રોસેજર થતા અનેકોનેક કહાની અલગ અલગ જૂથ અને અધિકારીઓથી લઈને પટાવાળા સુધી પ્રચલિત બની છે.
આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે આ કાર્યાલય સંભવતઃ ‘કમાણી' કરતા કર્મચારીઓના કહેવાતા વચેટીયાઓ ઉપર તીસરી આંખ માફક કામગીરી શરૂ કરી છે અને એક યુવાનને આ માટે કામગીરી પણ સોંપાયેલ છે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ જીલ્લા પંચાયત પરિસરમાં આ માટે જગ્યા ન હોય એટલે અહિં રૂમ આપ્યાની વાત કોઈના ગળે ઉતરે એવી નથી. અત્યારે તો મોરબી જીલ્લામાં રાજયસભાના સાંસદના આ નવા કાર્યાલય ખાતે આગેવાન અને અરજદારોના આંટાફેરા શરૂ થઈ ગયા છે.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
