તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 6th July 2025
વડોદરામાં ધોધમાર વરસાદ :અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
પાણી ભરાવા વચ્ચે લોકો વરસાદથી બચવા માટે છત્રી અને રેનકોટનો સહારો લેતા નજરે પડ્યા

વડોદરા શહેરમાં મોસમના ધોધમાર વરસાદની જમાવટ સતત ત્રીજા દિવસે પણ યથાવત છે. સવારથી જ એક પછી એક ઝાપટાં વરસતાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સયાજીગંજ, ફતેહગંજ, અકોટા, રાવપુરા, માંડવી, આજવા રોડ, વાઘોડિયા રોડ સહિત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાંનું મોજુ જોર પર છે. સયાજીગંજ વિસ્તારમાં એમ એસ યુનિવર્સિટી બહાર રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને સફર દરમિયાન મુશ્કેલી સર્જાઈ હતી.
પાણી ભરાવા વચ્ચે લોકો વરસાદથી બચવા માટે છત્રી અને રેનકોટનો સહારો લેતા નજરે પડ્યા હતા. રસ્તાઓ પર પાણી ભરાવાથી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે અને ટ્રાફિકની સ્થિતિ પણ ઘણી જગ્યાએ ધીમી પડી છે. વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. ત્યારે પાણી ભરાવાની સમસ્યા વકરી શકે છે.
વડોદરા જિલ્લામાં ગત 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા જોઇએ તો વડોદરામાં 2.4 ઇંચ, કરજણમાં 1.4 ઇંચ, સિનોરમાં 1.3 ઇંચ, પાદરામાં 24 મિ.મી., ડભોઇમાં 19 મિ.મી., વાઘોડિયામાં 16 મિ.મી., ડેસરમાં 4 મિ.મી.વરસાદ વરસ્યો હતો. આજે બપોરે 2 વાગ્યા સુધીમાં વડોદરામાં 21 મિ.મી., વાઘોડિયામાં 8 મિ.મી., સિનોરમાં 4 મિ.મી., પાદરામાં 4 મિ.મી., સાવલીમાં 2 મિ.મી., કરજણમાં 2 મિ.મી. વરસાદ નોંધાયો છે.
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
