<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th July 2025

અમિત શાહના હસ્તે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) દ્વારા તૈયાર કરાયેલી ત્રણ મહત્વપૂર્ણ પરિયોજનાઓનું લોકાર્પણ

‘સરદાર પટેલ સહકારી ડેરી ફેડરેશન લિમિટેડ’ ના માધ્યમથી ગુજરાત રાજ્યની બહારથી દૂધનું એકત્રીકરણ કરવામાં આવશે અને દેશના ડેરી ક્ષેત્રને વધુ મજબૂતી મળશે

નવી દિલ્‍હીઃ દેશના સહકારીતા મંત્રાલયને ચાર વર્ષ પૂર્ણ થતા હોય અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ આણંદ જિલ્લામાં આજરોજ અમુલ ડેરી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ ખાસ અવસરે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અને દેશના પ્રથમ સહકારીતા મંત્રી અમિત શાહ વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) દ્વારા તૈયાર કરાયેલી ત્રણ મહત્વપૂર્ણ પરિયોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે અમુલ ડેરીની બે નવી પરિયોજનાઓ પણ આજે જનતાને સમર્પિત કરવામાં આવી છે. કાર્યક્રમમાં ‘સરદાર પટેલ સહકારી ડેરી ફેડરેશન લિમિટેડ’ નામની નવી બહુ રાજ્ય સહકારી સમિતિનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ફેડરેશનના માધ્યમથી ગુજરાત રાજ્યની બહારથી દૂધનું એકત્રીકરણ કરવામાં આવશે અને દેશના ડેરી ક્ષેત્રને વધુ મજબૂતી મળશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત જણાવ્યું હતું કે, જો શ્યામા પ્રસાદ મુખર્જી ન હોત તો આજે કાશ્મીર અને પશ્ચિમ બંગાળ દેશના ભાગ ન હોત. મીઠાના ઉત્પાદનમાં હવે સહકારિતા મોડલ લાગુ થશે. તેના લાભ ગુજરાતના અગરિયાઓને મળશે. કચ્છ જિલ્લા નમક સહકારી સમિતિ આવનારા સમયમાં અમૂલની જેમ વિકસશે. સહકારિતામાં પારદર્શિતા મહત્વપૂર્ણ છે. જ્યાં પારદર્શિતા ન હોય ત્યાં સહકારિતા ટકી શકે નહીં.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે સહકારથી સમૃદ્ધિનો મંત્ર સાચા અર્થમાં સાકાર થઈ રહ્યો છે. ભારત આવનારા સમયમાં વિશ્વ માટે સહકારિતાનું શ્રેષ્ઠ મોડેલ રજૂ કરશે. ગુજરાત જેને પહેલાં અસહકારની ચળવળ માટે ઓળખાતું હતું, આજે સહકારિતામાં દેશને આગળ લઈ જાય છે. મહિલાઓની દૂધ મંડળીઓમાં આવક વધી છે. રાજ્યમાં મંડળીઓનું કામ ઓનલાઇન બન્યું છે. NDDB અને અમૂલના નવા પ્રયત્નો સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે.

(3:07 PM IST)