News of Tuesday, 1st July 2025
પાનમ ડેમમાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં ઝડપથી વધારો: ડેમના બે દરવાજા ખોલાયા :38 ગામોને એલર્ટ કરાયા
બે દરવાજા પાંચ ફૂટ સુધી ખોલી 12,444 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડ્યું: ડેમની હાલની જળસપાટી 125.05 મીટર

પંચમહાલ જિલ્લાના જીવનરેખા ગણાતા પાનમ ડેમમાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં ઝડપથી વધારો નોંધાયો છે. જેને કારણે તંત્રએ સાવચેત બની પગલાં લેતા આજે પાનમ ડેમના બે દરવાજા પાંચ ફૂટ સુધી ખોલી 12,444 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડ્યું છે.
ડેમની હાલની જળસપાટી 125.05 મીટર છે. ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાં થયેલા ભારે વરસાદને પગલે હજુ વધુ પાણીની આવક ચાલુ છે. આ પરિસ્થિતિને જોતા તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે.
તંત્રએ નદીકાંઠાના 38 જેટલા ગામોને એલર્ટ પર મૂકી દીધા છે. જેમાં શહેરા તાલુકાના 4, લુણાવાડા તાલુકાના 18, ખાનપુર તાલુકાનું 1 અને સંતરામપુર તાલુકાના 4 ગામનો સમાવેશ થાય છે.
તંત્રના જણાવ્યા અનુસાર નદીના પાણીના પ્રવાહ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પાણી છોડવામાં આવતાં નદીકાંઠાના વિસ્તારમાં અચાનક પાણીના સ્તરમાં વધારો થવાની શક્યતા છે, જેથી જાનમાલના નુકસાનથી બચવા માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
