News of Tuesday, 1st July 2025
વડોદરામાં ગેસની પાઈપલાઈનમાં બ્લાસ્ટ, મકાનમાલિક ગંભીર રીતે દાઝ્યા
વડોદરામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો :ગેસની પાઈપલાઈનમાં બ્લાસ્ટની જાણ થતાની સાથે જ ફાયર વિભાગના અધિકારીઓ અને ગેસ કંપનીના ટીમ ઘટના સ્થળે પહોંચી હતી

વડોદરા,તા.૧
સામાન્ય રીતે તમે ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટનાઓ વિશે સાંભળ્યું હશે. જોકે વડોદરામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. કારણકે અહીંયા ગેસ સિલિન્ડરમાં નહીં પણ ગેસની પાઈપલાઈનમાં બ્લાસ્ટ થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જે સમયે આ બનાવ બન્યો તે સમયે ઘરમાં હાજર તમામ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સાથે જ ઘરના માલિક પણ આ બ્લાસ્ટની ઘટનામાં ગંભીર રીતે દાઝ્યા છે. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને ગેસ કંપનીની ટીમ સ્થળ પર તુરંત પહોંચી હતી.
બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી સુંદરમ સોસાયટીમાં આ બનાવ બન્યો છે. જ્યાં સી ટાવરમાં ફ્લેટ નંબર ૧૦૧માં ગેસની પાઈપલાઈનમાં અચાનકથી બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં મકાનમાલિક મિતુલભાઈ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેથી તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બ્લાસ્ટમાં ખાસ કરીને ઘરના સામાનને વધારે નુકસાન થયું છે. બ્લાસ્ટનો અવાજ સાંભળ્યા બાદ આસપાસના રહીશો પણ દોડી આવ્યા હતા. ગેસની પાઈપલાઈનમાં લીકેજ હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જોકે બ્લાસ્ટ થવા પાછળનું ચોક્કસ કારણ હજુ સામે નથી આવ્યું. સારી વાત એ છે કે આ બ્લાસ્ટમાં કોઈને વધારે નુકસાન નથી પહોંચ્યું.
ઉલ્લેખનીય છે કે ગેસની પાઈપલાઈનમાં બ્લાસ્ટની જાણ થતાની સાથે જ ફાયર વિભાગના અધિકારીઓ અને ગેસ કંપનીના ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ મુદ્દો હાલ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. પ્રચંડ અવાજને કારણે આસપાસના રહીશો પણ દોડીને સ્થળ પર પહોંચ્યા હતા. સાથે જ આ બ્લાસ્ટને કારણે ઘરના માલ સામાનને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
