<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

નાંદોદના કરાઠા ગામમાં EMRS સ્કૂલના આડેધડ બાંધકામથી મુશ્કેલી

વરસાદી પાણી ભરાતાં 300 એકર ખેતીને નુકસાન, કેળના પાકને અસર

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કરાઠા ગામમાં EMRS સ્કૂલના આડેધડ બાંધકામને કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણીના નિકાલની જગ્યા પર થયેલા બાંધકામને કારણે પાણી ભરાવાથી અઢીસો જેટલા ખેડૂતોના કેળના તૈયાર પાકને નુકસાન થયું છે.

   કરાઠા ગામના ખેડૂત કૌશિક પટેલના જણાવ્યા મુજબ, વરસાદી પાણીના વહેણની જગ્યાએ કોટ બનાવી દેવામાં આવ્યો છે. જેના કારણે પાણી ખેતર તરફના રસ્તા પર ભરાય છે. ખેડૂતોને ખેતરે અવરજવર કરવામાં અને તૈયાર પાકને લઈ જવામાં પણ મુશ્કેલી પડે છે. રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે.
   કેટલાક ખેડૂતોએ કેળનો પાક કાપીને સપ્લાય કરવાની તૈયારી કરી હતી. પરંતુ વરસાદ આવી જતાં કપાયેલો પાક નષ્ટ થવાની ભીતિ છે. કરાઠા ગામના ખેડૂતોએ આ સમસ્યા અંગે વિવિધ સ્તરે લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.
   નવી બનતી એકલવ્ય સ્કૂલે વરસાદી પાણીના નિકાલની જગ્યાએ બાંધકામ કર્યું છે. આના કારણે પાણીનો નિકાલ થતો નથી. પાણી ખેતરમાં અવરજવરના રસ્તા પર ફરી વળ્યું છે. હવે ત્યાં વાહનો પણ જઈ શકતા નથી. આ પરિસ્થિતિમાં 300 એકર જેટલી જમીન માં ખેતીના પાકને નુકસાન થયું છે. ખેડૂતો રસ્તો બનાવવા અને પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે.

(9:39 PM IST)