તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
ગુજરાત પર ઘેરાયો મેઘો : આગામી સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી! તંત્ર એલર્ટ મોડ પર
SEOC-ગાંધીનગર ખાતે રાહત કમિશનર આલોકકુમાર પાંડેની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ : NDRF-SDRF ની ૩૨ ટીમો તૈનાત : રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૨૧ હાઈએલર્ટ પર : ૯૪ રસ્તાઓ બંધ

ગાંધીનગર, તા. ૧ જુલાઈ, ૨૦૨૫: ગુજરાત રાજ્યમાં ચોમાસું સંપૂર્ણપણે જામી ગયું છે, અને આગામી સપ્તાહ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. આજે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)-ગાંધીનગર ખાતે રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ અને તેને પહોંચી વળવા માટે સંબંધિત વિભાગોની તૈયારીઓ અંગે ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી. રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
હવામાન વિભાગની આગાહી અને એલર્ટ:
હવામાન વિભાગના અધિકારીએ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. આગામી સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. આ સંદર્ભે, તેમણે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે સંપૂર્ણપણે એલર્ટ રહેવા જણાવ્યું હતું.
NDRF-SDRF ની ટીમો તૈનાત:
રાહત અને બચાવ કાર્ય માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની ટીમોને તૈનાત કરવામાં આવી છે. NDRF ના અધિકારીએ બેઠકમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF તથા SDRFની કુલ ૩૨ ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત, ૨ ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેથી જરૂર પડ્યે તાત્કાલિક મદદ પૂરી પાડી શકાય.
જળાશયોની સ્થિતિ અને રસ્તાઓ બંધ:
સિંચાઇ વિભાગના અધિકારીએ રિઝિયન વાઈઝ પાણીના સંગ્રહની સ્થિતિ વિશે માહિતી આપી હતી, જે ચિંતાજનક છે. રાજ્યના કુલ ૨૦૬ જળાશયો પૈકી ૨૧ જળાશયો હાઇએલર્ટ પર છે, ૧૨ જળાશયો એલર્ટ પર છે, તથા ૧૯ જળાશયો વોર્નિંગ પર છે. આ દર્શાવે છે કે નદીઓ અને જળાશયોમાં પાણીની આવક વધી રહી છે, જે નીચાણવાળા વિસ્તારો માટે પૂરનું જોખમ ઊભું કરી શકે છે.
માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં ઓવરટોપિંગ અને પાણી ભરાવાના કારણે ૯૪ રસ્તાઓ બંધ છે. આ રસ્તાઓ પરથી પાણી ઉતરતા જ તેમને પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
મહત્વપૂર્ણ વિભાગોની હાજરી:
આ બેઠકમાં CWC-મહી અને તાપી ડિવીઝન, વન વિભાગ, આરોગ્ય વિભાગ, ઊર્જા વિભાગ, GSRTC, શહેરી વિકાસ વિભાગ, પંચાયત વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગ, ISRO, ફીશરીઝ સહિતના વિવિધ વિભાગના નોડલ અધિકારીઓ હાજર રહ્યાં હતા. આ તમામ વિભાગો સંકલન સાધીને કોઈપણ આફતનો સામનો કરવા માટે કટિબદ્ધ છે. નાગરિકોને પણ સાવચેત રહેવા અને સરકારી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
