તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
નર્મદા જિલ્લાનો મોવીના યાલ ગામ નજીકનો પુલ ચોમાસાના પહેલા વરસાદમાં તૂટી પડ્યો
259 ગામોનો મુખ્ય સંપર્ક તૂટી ગયો અને લોકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા

નર્મદા જિલ્લાના રાજપીપળા-ડેડીયાપાડા હાઈવે નંબર 65 પર આવેલ મોવીના યાલ ગામ નજીકનો કામચલાઉ પુલ ચોમાસાના પહેલા જ વરસાદમાં તૂટી પડ્યો છે. આ ઘટનાને લઈને 259 ગામોનો મુખ્ય સંપર્ક તૂટી ગયો છે અને લોકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે. વિકાસના દાવાઓ વચ્ચે હકીકત હજી દુઃખદ છે. લોકો આશા રાખી રહ્યા છે કે સરકાર ટૂંક સમયમાં પાયાની સમસ્યાનો સમયસર ઉકેલ લાવે.
આ હાઈવે રાજપીપળા, ડેડીયાપાડા, સાગબારા અને મહારાષ્ટ્રને જોડે છે. પુલ તૂટી જતા ગ્રામજનોને રાજપીપળા જિલ્લા મથક સુધી પહોંચવા માટે 30 કિલોમીટર લાંબો ફેરો ફરવો પડે છે. પરિણામે રાહદારીઓ, વિદ્યાર્થીઓ અને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પુલ બે વર્ષ અગાઉ કામચલાઉ ધોરણે બનાવવામાં આવ્યો હતો. પરંતુ પહેલા જ વરસાદમાં તેની હકિકત ખુલ્લી પડી ગઈ છે. રાજ્ય સરકાર પર આકરો પ્રહાર કરતાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યુ હતુ કે, ભાજપની 30 વર્ષની સરકાર છે છતાં આજે પણ આ વિસ્તાર પાયાની સુવિધાઓ માટે ઝંખી રહ્યો છે. બે વર્ષથી એક સારો પુલ પણ બની શક્યો નથી.
સમગ્ર મામલે માર્ગ અને મકાન વિભાગના અધિકારી સતીષ મોદીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે ડાયવર્ઝન તૂટી પડ્યું છે. નવા પુલ માટે વર્ક ઓર્ડર મળ્યો છે અને આવતા વર્ષે નવી બનાવટની શક્યતા છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
